ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે જીલ્લા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયન હેઠળ એક બેઠકનું આયોજન કર્યું હતું.ભાવનગરના પ્રભારી અને રાજ્યના મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી ૧૫ ઓગષ્ટ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંગે કાર્યકરો અને હોદેદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયારે આ તકે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન સંજયસિંહ ગોહિલ તેઓના સમર્થકો સાથે કિરીટસિંહ રાણાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઇ ગયા હતા જયારે કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી આર.સી મકવાણા, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, આત્મારામ પરમારએ ભાજપમાં જોડાયેલા સૌ આગેવાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ તેઓના 200 થી વધુ સમર્થકો, વિવિધ ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો અને 15 થી વધુ ગામના સરપંચો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસથી નારાજ રહેતા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું, જે દરમ્યાન તેઓએ બે દિવસ પૂર્વે જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામુ આપી દીધું હતું. ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી કિરીટસિંહ રાણાએ સંજયસિંહ ગોહિલ સહિતના તમામ આગેવાનો અને કાર્યકરોનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. ઘોઘા તાલુકાના કોંગ્રેસના પીઢ નેતા ગણાતા સંજયસિંહ ગોહિલ ભાજપમાં ભળી જતાં મંત્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, આત્મારામ પરમાર સહિત ના આગેવાનોએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.