ગુજરાતમાં ગત સોમવારે લઠ્ઠાકાંડની ઘટના બની હતી. આ ઘટનાને કેમિકલ કાંડ ગણાવીને રાજ્ય સરકારે હાથ ખંખેરી લીધા હતા અને કેટલાક પોલીસ અધિકારીઓએ ઉપર દોષનો ટોપલો નાખીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. આ સંપૂર્ણ મામલે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી તમામ વિપક્ષો ભાજપ ઉપર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે ઘણી જગ્યાએ એવું પણ કહેવામા આવ્યું હતું કે વિપક્ષ આટલો હોબાળો કરે છે પણ તેમણે શું કર્યું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા આગળ આવ્યા છે અને તેમણે આ લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી ઉપાડી છે.
બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં બનેલી આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે અમિત ચાવડા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા અને તેમના પરિવારને સંતાવના પાઠવવા માટે ગયા હતા. તે સમયે તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ ગામના લોકોને દારૂના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમજ તેમણે આ મુલાકાત દરમિયાન રોજીદ ગામમાં જાહેરાત પણ કરી હતી કે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના બાળકોની ધોરણ 1થી 12 સુધી ભણવાની તમામ જવાબદારી બોરસદમાં આવેલી તેમની સંસ્થા ઉપાડશે.
ગઈકાલે બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં આજે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર પ્રહાર કરવાની સાથે ગામના લોકોને દારૂના વ્યસનથી દૂર રહેવા માટે પણ ટકોર કરી હતી અને જાહેરાત કરી હતી કે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના બાળકોના ભણતરની જવાબદારી તેમણે ઉપાડશે.