સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત ગઇકાલે પાલીતાણા ખાતે બેટી બચાવો, બેટી પઢાઓ’ દિવસની મહિલા કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલીતાણા 181ના કાઉન્સિલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આ ઉત્સવ નારીશક્તિને પહેચાન આપવા, તેને પિછાણીને તેને પ્રેરિત કરી, તેની તાકાતને દિશા આપવાનો છે.
બેટી બચાવવા માટે લોકોને દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ છોડી દેવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં પણ નારી શક્તિનો મહિમા છે તેઓએ આગળ કહ્યું કે નારી પુરુષ સમોવડી નહિ પણ પુરુષ કરતાં અનેરી બનીને પોતાની અલગ પહેચાન ઊભી કરે. નારી અબળા નહિ પણ સબળા છે. આજે દીકરી માત્ર પારકી થાપણ નહીં પરંતુ પગભર બનીને બે કૂળને તારી રહી છે. મહિલાઓએ આજે અવકાશથી લઈને ઓટોમોબાઇલ અને રમત ગમતથી લઈને રાજકારણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.