ભાવનગર : સગીરા પ્રેમીને કારણે ગર્ભવતી થઈ, પિતાએ આબરૂ જવાના ડરે હત્યા કરી નાખી


હરિશ પવાર
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક પિતાએ ચાર દિવસ અગાઉ પોતાની 14 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સગીરાને શોધી રહેલી પોલીસના શંકાના દાયરામાં પિતા જ આવી ગયા. આખરે પાલિતાણાના ડુંગરોમાં ફેંકી દેવામાં આવેલી સગીરાની લાશ પોલીસે શોધી કાઢી છે.

ભરતનગરના જલારામ સોસાયટીમાં રહેતા રામદૂત શાહુ (ઉ. 47)એ ચાર દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાની 14 વર્ષની દીકરી કવિતા ઘરેથી કઇપણ કીધા વગર નીકળી ગઈ છે. આ મામલે ભરતનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. ભાવનગર પોલીસે સગીરાને શોધવા માટે ઠેર-ઠેર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે દિવસે સગીરા ગુમ થઈ તે પહેલા તે તેના પિતા સાથે જ નજરે પડતી હતી.

શંકાના દાયરામાં આવેલા રામદૂતની કોલ ડિટેલ ચેક કરતાં તેની હાજરી પાલિતાણા પાસે પણ જોવા મળી હતી.ભરતનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.યાદવે રામદૂતને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેને દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. રામદૂતની કબૂલાત પ્રમાણે તેની દીકરીને એક બિહારી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના પરિણામ સ્વરૂપે ગર્ભવતી થઈ હતી અને તેને પાંચ માસનો ગર્ભ હતો. આ ઘટનાના કારણે સમાજમાં પોતાની આબરૂ જશે તેવા ડરે તેણે દીકરીની હત્યા કરવાની યોજના બનાવી હતી.

બનાવના દિવસે તેણે પોતાની દીકરી કવિતાને ફરવા જઈએ તેમ કહી પોતાની સાથે લઈને નીકળ્યો હતો. પાલિતાણા નજીક આવેલા નિર્જન ડુંગરાળ વિસ્તારમાં દીકરીને લઈ જઈને ગળે ટુપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પરત આવી દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ આપી હતી. ભરતનગર પોલીસે ડુંગરાળ વિસ્તારમાંથી ચાર દિવસ અગાઉ હત્યા કરી દેવામાં આવેલી સગીરાની લાશ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.