વિદ્યાર્થીઓના હૄદયમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના જગાડવા “કેવી હશે ! એ શાળા, એવું થતું મુજ મનમાં” નિબંધ સ્પર્ધાનું આયોજન

દેવરાજ બુધેલિયા
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓના હૄદયમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના જગાડવા “કેવી હશે ! એ શાળા, એવું થતું મુજ મનમાં” નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રજ્ઞાચક્ષુ બાળકોનું શિક્ષણ, જેમાં બ્રેઇલ લેખન વાંચન અષ્ટકોણ ખિલાની મદદથી ટેલર ફ્રેમ પર ગણિતના દાખલા ગણવાની રીત, સ્ક્રીન રિડર સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જેવી જાણકારી આપી

વિદ્યાર્થીઓને નિબંધ લખવા પ્રશ્નાવલી આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓ પોતાની અસરકારક રજુઆત કરી શકે એટલે શાળાના પટાંગણમાં એલઈડી સ્ક્રિન પર નેત્રહીનોની અન્ય કલાઓ દર્શાવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ વિવિધ ઉદાહરણો આપી નિબંધના મુદ્દાઓની વિગતે છણાવટ કરી હતી. આ પ્રસંગે તેમણે દિવ્યાંગો પ્રત્યે આમ સમાજનો દૄષ્ટિકોણ બદલવા વિદ્યાર્થીઓને આગળ આવવા આહવાન કર્યું હતું.