જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનસીપીએ રજૂઆત કરી સરકારના નિયમમાં ફેરફાર કરવાની માંગ કરી, ખેડૂતોને પોતાની ખેતીની જમીન બીન ખેતી કરવા માટે બે થી ત્રણ ગણી રકમ ચૂકવવી પડે છે

સલિમ બરફવાળા
ભાવનગર શહેર નજીક આવેલા સીદસર, અકવાડા, અધેવાડા સહિતના આજુબાજુના ગામોની તમામ ખેતી લાયક જમીનને ટીપી સ્કીમ મુજબ જંત્રી વસૂલવામાં આવી રહી છે. જેના વિરોધમાં એનસીપી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને સરકારના નિયમમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. ભાવનગર શહેર નજીક આવેલા પાંચ ગામોને મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે. આ તમામ ગામ ખાતે ખેડૂતો પોતાની જમીન બિનખેતી તરીકે કરાવવા જાય છે જેનો જંત્રી ભાવ ટીપી સ્કીમ મુજબ વસૂલવામાં આવે છે. જે અંગે ખેડૂતોને ખુબજ મોટી રકમ જંત્રી તરીકે ચૂકવવી પડે છે.

ખેડૂતોને હાલમાં બિનખેતી કરવા માટે આ જમીનના ભાવ ખેતીની જમીન તરીકે જ મળે છે. સરકાર તરફથી થયેલા પરિપત્ર મુજબ બિન ખેતી માટેની જમીનમાં મહાનગરપાલિકાની ટીપી સ્કીમ મુજબ જંત્રી ભાવ લેવામાં આવે છે. જેને લઇને ખેડૂતોને પોતાની ખેતીની જમીન બીન ખેતી કરવા માટે બે થી ત્રણ ગણી રકમ ચૂકવવી પડે છે.આ તમામ બાબતે ખેડૂતોના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ પરિપત્રમાં સુધારણા કરવાની માંગ સાથે એનસીપીના પ્રદેશ મંત્રી ભીખા જાજડિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.