ભાવનગર સાથે જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જામ્યો, પતંગ, દોરા, શેરડી સહિતની ખરીદી કરવા શહેરીજનો ઉમટ્યાં

શહેર સાથે સમગ્ર જિલ્લામાં પતંગ પર્વ અન્વયે લોકોમાં ખર્ચ-ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો, પતંગના દોરાને માંજા પાવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી

હરિશ પવાર
ઉત્તરાયણ તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર સાથે સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જામ્યો છે. બજારોમાં પતંગ, દોરા, લાડવાથી લઈને શેરડી સુધીની ચીઝ વસ્તુઓ ખરીદવા શહેર અને નગરજનો ઉમટી પડ્યા હતા. આ વખતે કોરોનાની મહામારીને કારણે ઉત્તરાયણનો તહેવારની ઉજવણી નિરસ માહોલ વચ્ચે થશે તેવું લાગી રહ્યુ હતું, જોકે, ગુજરાતી ઓએ મહામારીની વાતને મિથ્યા કરી પતંગ પર્વને યાદગાર બનાવવા મન મકકમ બનાવ્યું છે અને મકરસંક્રાંતિની બજારમાં ધોમ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે લોકોમાં ઉત્સાહની ઉણપ જોવા મળી રહી હતી. પરંતુ ગમે તેવી તકલીફો વચ્ચે પણ ઉત્સવપ્રધાન જિલ્લા વાસીઓ આફતને અભેરાઈએ ચડાવી તહેવારોને પ્રધાન્યતા આપે છે જે અંતર્ગત આજે પતંગ પર્વ અન્વયે લોકોમાં ખર્ચ-ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. લોકો સહ પરિવાર બજારોમાં પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપુડા, શેરડી, તલ-ગોળની બનાવટની ચીકીઓ સાની સહિતની વસ્તુઓ ખરીદવા ભારે ઘસારો કર્યો હતો. અંતિમ દિવસો સુધી ગ્રાહકોની રાહ જોઈને બેઠેલા વેપારીઓ ગ્રાહકોના આ અભૂતપૂર્વ ઘસારાને નિહાળી અવાક બન્યાં હતાં. લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી.