અનોખી શાળા

ઝૂંપડપટ્ટીના બાળકોને મફત શિક્ષણ સાથે સંસ્કાર અને જીવન ઘડતરની કેળવણી

બ્રિજેશ ગોસ્વામી
આજે સોમવારથી સમગ્ર રાજ્યમાં શાળાકીય શિક્ષણ ‘ઓફ લાઇન’ શરૂ થયું છે. ત્યારે આજે આપણે એક એવી શાળાની વાત કરવી છે કે, જે કોરોના કાળ વખતે પણ ચાલતી રહી હતી અને તે દ્વારા શિક્ષણની જ્યોત નિરંતર પ્રજ્વલિત રાખી છે. આ શાળા કોઈ હાઈ-ફાઈ શાળા નથી. પરંતુ જેની પાસે શાળાએ જવા દફતર નથી. શાળાની ફી ભરવાના પૈસા નથી તેવાં ગરીબ અને છેવાડાના બાળકોને રોડ પર શિક્ષણ આપતી અનોખી શાળા છે.

ભાવનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં રોડ પર ચાલતી આ શાળા માત્ર શિક્ષણ જ નથી આપતી પરંતુ તે સાથે સંસ્કાર અને જીવન ઘડતરની કેળવણી પણ આપે છે. ભાવનગરની એક ગૃહિણી પ્રિયાબા જાડેજા આ બાળકોને દરરોજ રોજ સાંજે 4.30થી 6 વાગ્યા દરમિયાન અભ્યાસ કરાવે છે. પ્રિયાબા જાડેજાએ તેમના 8 વર્ષના પુત્ર કૃષ્ણરાજસિંહનો જન્મદિવસ પણ વંચિત બાળકો વચ્ચે ઉજવ્યો હતો. પ્રિયાબા જાડેજાની ઈચ્છા છે કે, જો સમાજનો સાથ-સહકાર મળે તો બાળકો માટે પ્લે હાઉસ ખોલવું છે.