સમાનતા અને સમોવડી ની વાતો વચ્ચે નારી સ્વરક્ષા જ ભૂલી ગઈ છે – સ્વરક્ષાના પાઠો ભણવા હવે જરૂરી

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા થયું કે કોઈ મહિલા આઇડલ વિશે તેમની કામગીરીની પ્રેરણા દાયી સ્ટોરી લખી નાખીએ પણ છેલ્લા બે ચાર મહિનાઓમાં સમાજમાં જે ઘટનાઓ બની છે તે જોતા આજના દિવસે વિશેષ ટકોર કરીને પોતામાં રહેલી શક્તિઓથી સ્ત્રીઓને પરિચિત કરવી જરૂરી જ રહી. આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ લિંગ સમાનતા એટલે પુરુષ સમોવડી સ્ત્રીની છે.

પણ આ સમોવડી બનવામાં પોતાની સ્વરક્ષાના પાઠો ભણવાના અને પોતાની દિકરીઓને ભણાવવાના જ ભુલાઈ ગયા છે. અહીં ઘટનાના નામની ચર્ચા કરવી યોગ્ય નહિ બધા બધું જાણે જ છે અને એક બે દિવસ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવે પણ છે. આ બધું ક્યાં સુધી ચલાવશે સ્ત્રી શક્તિ. ભારતમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.આ જ શક્તિના સ્વરુપની નવ દિવસ નવરાતમાં પૂજન કરવામાં આવે છે. તો આ સ્ત્રી પોતાની શક્તિઓને કેમ વિસરી ગઈ છે.

આ સોશિયલ મીડિયાના સમયે સ્ત્રીને તેની શક્તિઓથી દૂર કરી દીધી છે. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો લોકો ઉપર ત્રાસ વધતો ત્યારે કોઈ શક્તિ સ્વરૂપ દેવી જ તેનો વધ કરી લોકોને તેના ત્રાસથી મુક્ત કરાવતી તો શા માટે આજની સ્ત્રી પોતાની જ સુરક્ષા માટે આગળ નથી આવતી. તમારી દિકરીઓને નાનપણથી જ સ્વરક્ષા કરવા માટેના પાઠ શીખવો જેથી કરીને કોઈ ખરાબ નજર એના ઉપર ઉંચી થતા પણ સો વખત વિચાર કરે.

કોઈ આવશે અને મદદ કરશે તે માનસિકતા હવે ફેરવો કેમકે જગત માઈકાનગલું બની ગયું છે ઘટનાને મોબાઈલમાં વિડીયો ઉતારવામાં મશગુલ બન્યું છે જગત વિડીયો ઉતારતા હાથ મદદ માટે લંબાશે એ આશા છોડી પોતે જ પોતાનામાં રહેલી મહાકાલી મહાચંડી દુર્ગાને જગાડો. આજના દિવસે સોશિયલ મીડિયામાં મહિલા દિવસની શુભેચ્છાઓ આપવાના બદલે ખરા અર્થમાં તેમના માન સન્માન ને જાળવીએ તેજ સાચી મહિલા દિવસની શુભેચ્છાઓ.