ભાવનગર: હર ઘર જલની યોજનાના બીલ મંજૂર કરવા 35 હજાર માગ્યા, ACBએ પકડી પાડ્યા

બ્રિજેશ ગોસ્વામી
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ ખિસ્સા ગરમ કરવાના ચક્કરમાં લાંચ માગતા એસીબીના હાથે અવાર-નવાર ઝડપાતા રહે છે. ત્યારે ભાવનગર વધુ એક અધિકારી (કરાર આધારિત) એસીબીની ચપેટમાં આવી ગયો છે. સરકારી યોજનાના બિલ મંજૂર કરાવવા માટે થઈને કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીએ વાસ્મોનું “હર ઘર જલ”ની યોજનાનું કામ પેટા કોન્ટ્રાકટમાં રાખ્યું હતું. આ કામના ૩ બીલ મંજૂર કર્યા હતા તેના બદલામાં ફરિયાદી પાસે વિપુલ મધુસુદનભાઈ પટેલ (મેનેજર ટેક તથા વધારાનો હવાલો ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટ) લાંચ પેટે રૂ.૩૫,૦૦૦/-ની ગેરકાયદેસર માંગણી કરી હતી.

લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો), સરદાર પટેલ મ્યુનિસિપાલિટી શોપીંગ સેન્ટર, ભાવનગર ખાતે લાંચનું છટકું ગોઠવ્યુ હતું. લાંચના છટકા દરમિયાન વિપુલ મધુસુદનભાઈ પટેલએ માંગેલ લાંચની રકમ પ્રકાશ પરષોત્તમભાઈ રાઠોડ (પટ્ટાવાળા, આઉટસોર્સ)ને આપી દેવા જણાવ્યુ હતું. પ્રકાશે વિપુલ વતી લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓ પકડાઈ ગયા હતા.