હોસ્પિટલમાં સારવારમાં રહેલ પરિણીતાનું મૃત્યુ નિપજતા બેદરકારી દાખવ્યાનો પરિવારનો આક્ષેપ ; નાની વાવડીના પરિણીતાને ડીલીવરી સબબ સારવારમાં સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા

હરિશ પવાર
ગારીયાધારના નાની વાવડીના પરિણીતાને ડીલીવરી સબબ સારવારમાં સર ટી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નિપજતા હોસ્પિટલ તંત્રની બેદરકારીથી મૃત્યુ નિપજ્યાના આક્ષેપ સાથે ફરીયાદ દાખલ કરાવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સંભાળવાનો ઈન્કાર બાદ પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લેતા મૃતદેહ સંભાળ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે રહેતા ગીતાબેન હરમુખભાઈ સોલંકી (ઉ.વ. ૩૩)ને ડીલેવરી સબબ ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તેઓને નોર્મલ ડીલીવરી બાદ બ્લીડીગ પ્રોબ્લેમને લઈ સારવાર દરમિયાન આજે શુક્રવારે ૮.૦૦ કલાકના સુમારે તેઓનું મૃત્યુ નિપજવા પામ્યુ હતુ.

જેને લઈ મૃતકના પરિવારે તબીબી બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યાના આક્ષેપ સાથે મુકેશભાઈ તેજાભાઈ મૈયાત્રાએ જણાવ્યુ હતું કે, ગીતાબેનને સારવાર દરમિયાન એ નેગેટીવ બ્લડ હોવા છતા બી નેગેટીવ ગૃપના બાટલાઓ ચડાવવામાં આવ્યા હતા. સારવારમાં તબીબેએ બેદરકારી દાખવતા ગીતાબેનનું મૃત્યુ નિપજવા પામ્યુ હતુ. તેમજ તેઓેએ જવાબદારો સામે ફરિયાદ દાખલ કરી, તેઓને ન્યાય જ્યા સુધી નહીં મળે ત્યા સુધી મૃતદેહનો કબજો નહીં સંભાળીયે તેમ જણાવ્યુ હતુ ઉક્ત બનાવને લઈ નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ રાત્રીના મૃતકના પરિવારની અરજી લેવામાં આવતા પરિવારે મૃતક ગીતાબેનના મૃતદેહનો કબજો સંભાળ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. અને મૃતક મહીલાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.