ડુંગળીના ભાવો ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, અંતિમ તબક્કામાં ભાવો ઘટતા ખેડૂતોને નથી રહ્યા પૂરતા ભાવ, થોડા સમય અગાઉ ૫૫૦ રૂ. મણ ની ડુંગળી હાલ ૧૦૦ થી ૨૦૦ રૂ. પ્રતિમણ ના ભાવે વેચાણ, ડુંગળીના વાવેતરથી લઇ ઉત્પાદન સુધીનો ખર્ચ પણ આ ભાવમાં નથી મળે તેમ, ડુંગળીના ભાવો પૂરતા ભાવો મળે તેવી ખેડૂતોની માંગ.

સલિમ બરફવાળા
ભાવનગર જિલ્લાના માર્કેટિંગયાર્ડોમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માત્ર એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવમાં ૫૦% નો ઘટાડો થતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ ન મળતા નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લો ડુંગળીનું હબ ગણાય છે, જિલ્લામાં ડુંગળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે પરંતુ જયારે હવે ખેડૂતોની ડુંગળી હાલ જયારે વેચાણ માટે તૈયાર છે.

ત્યારે ભાવ સાવ ગગડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, જેમાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં ૪૦% કરતાં વધુ હિસ્સો ભાવનગર જિલ્લાનો હોય છે, જેમાં મહુવા તાલુકો ડુંગળીના વાવેતરમાં અવ્વલ છે.

અહીં ડુંગળીનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે અને જેનો ભરપૂર લાભ અહીંના ડીહાઈડ્રેશન પ્લાન્ટને થાય છે, એક સપ્તાહ પૂર્વે માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લઈને વેચાણ માટે આવતા ખેડૂતોને ડુંગળીના રૂ.૫૫૦ સુધીના સારા ભાવો મળી રહ્યા હતા, જ્યારે રવિપાકની સીઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળી લઈને વેચાણ માટે માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે, હાલ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની ૧ લાખ ગુણીની આવક થઈ રહી છે.

પરંતુ આવક વધતાની સાથે આજે એકાએક ડુંગળીના ભાવ તળિયે બેસી રૂપિયા ૧૦૦ થી ૨૦૦ રૂ.પ્રતિમણ થઈ ગયા છે. ખેડૂતોને ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કરવો પડતો હોય છે જેમાં બિયારણ, ખાતર, વાવણી, માવજત તેમજ લણવા સુધીની મજૂરી પાછળ ખૂબ ખર્ચ થાય છે. હાલ જે ભાવ ખેડૂતોને યાર્ડમાં વેચાણમાં મળી રહ્યા છે એ ભાવ તો ખેડૂતો ને ડુંગળી ઘરમાં પણ નથી પડતી ત્યારે ડુંગળીના યોગ્ય ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.