14 વર્ષીય તરૂણીનું પૈસાની લાલચ આપી અપહરણ કરી ઈકો ગાડીમાં 3 શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ, ત્રણેય હવસખોરોને સ્પેશયલ પોક્સો કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરાયા : શખ્સોએ કુકર્મ વેળાએ પહેરેલ કપડા, 3 મોબાઈલ, ઈકો અને બાઈક કબજે લેવાયા

સલિમ બરફવાળા
ભાવનગરમાં માત્ર ૧૪ વર્ષીય તરૂણી ઉપર ગેંગરેપ ગુજાર્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તરૂણીને કાળિયાબીડ વિસ્તારમાંથી ઈકો કારમાં ઉઠાવી જઈ ત્રણ શખ્સે ચાલુ ગાડીએ જ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન અલંગ પોલીસના વાહન ચેકીંગ દરમિયાન ત્રાપજ પાસેથી ત્રણેય શખ્સને પોલીસે ઝડપી લઈ તરૂણીને શખ્સોના સકંજામાંથી મુક્ત કરાવી હતી. ઉક્ત ચકચારી કેસને લઈ પોલીસ તંત્ર જુદી જુદી ટીમો બનાવી ૨૪ કલાકમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી જે ભાવનગરની પ્રથમ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

ત્રણેય શખ્સોને કોર્ટમાં રજુ કર્યા બાદ નામદાર કોર્ટનાં આદેશ તળે જીલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા જ્યારે શખ્સોના કબજામાંથી કુકર્મ વેળાએ પહેરેલ કપડા, ત્રણ મોબાઈલ, ઈકો અને બાઈક પોલીસે બરામત કર્યા હતા.ચકચારી ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરનાં કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનસુખ ભોપાભાઈ સોલંકી નામના શખ્સે ભગવતી સર્કલ પાસેથી બપોરે ૩.૩૦ કલાકના અરસા દરમિયાન ૧૪ વર્ષીય તરૂણીને પૈસા આપવાની લાલચ આપી.

તેની સાથે લઈ જઈ તેના અન્ય બે મિત્ર સંજય છગનભાઈ મકવાણા અને મુસ્તુફા આયનુહક શેખ (રે. બંને ત્રાપજ)ની સાથે ગુનાહીત કાવતરૂ રચી સગીરા ઉપર ચાલુ કારે જ દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન ગત મોડી રાત્રીનાં ૨.૩૦ કલાકના અરસા દરમિયાન ત્રાપજ નજીક વાહન ચેકીંગમાં રહેલ અલંગ પોલીસના સ્ટાફે ઈકોને અટકાવી તેમાં રહેલ ઉક્ત ત્રણેય શખ્સોની પુછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. જેને લઈ શખ્સોના ચુંગાલમાંથી સગીરાને છોડાવી નિલમબાગ પોલીસ મથકને સોંપવામાં આવી હતી. સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાયા બાદ તેનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો હતો.

ઉક્ત જધન્ય ઘટનાને લઈ ભાવનગર પોલીસે ગંભીરતા દાખવી એ.એસ.પી. સફીન હસન, નિલમબાગ પોલીસ મથકનાં પી.આઈ. ભાચકન સહિતના સ્ટાફે તપાસનો દૌર હાથ ધરી એસ.પી. ઓફીસ, ક્રાઈમ બ્રાંચ, અલંગ, મહિલા પોલીસ તેમજ વરતેજ પોલીસની જુદી જુદી ટીમો બનાવી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધમાં દસ્તાવેજી પુરાવા, ઈલેકટ્રોનીક પુરાવા, મેડીકલ પુરાવા, ટેકનીકલ ડેટા, સાંયોગીક પુરાવા એકત્રીત કરી ગેંગરેપ મામલે ૨૪ કલાકના સમયમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી ત્રણેય શખ્સોને કોર્ટ હવાલે કર્યા હતા. ત્યારબાદ નામદાર કોર્ટનાં આદેશ તળે શખ્સોને જીલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી જધન્ય અપરાધ કરતી વેળાએ પહેરેલ કપડા, ત્રણ મોબાઈલ, બાઈક અને ગુનામાં વપરાયેલ ઈકો કાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.