ચીલઝડપ કરનારા ઝડપાયા

બોરતળાવ તટે ફિયાન્સીને લઈને ફરવા ગયેલા યુવાનનો મોબાઈલ ઝુંટવી આરોપીઓ નાસી છૂટ્યા હતા ; ડી-ડીવીઝન પોલીસે બે મોબાઈલ એક રીક્ષા મળી કુલ રૂ.45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

હરીશ પવાર
ભાવનગરના કુમદવાડી વિસ્તારમાં રહેતો રત્નકલાકાર ગત તા 15-6 ના રોજ પોતાની ફિયાન્સીને લઈ બોરતળાવ ફરવા ગયો હતો. આ દરમિયાન ચાર શખ્સોએ આ કપલનો પીછો કરી તેઓના મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતાં. જે સંદર્ભે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓને 45,000 ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાવનગર શહેરના ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ફૂલસર ગામનો વતની અને હાલ બોરતળાવ કુમદવાડી વિસ્તારમાં રહી હીરા ઘસતો રત્નકલાકાર વિષ્ણુ વિઠ્ઠલ મકવાણા ગત તા.15,6 ના રોજ પોતાની ફિયાન્સીને લઈને બોરતળાવના કિનારે આવેલા ઈસ્કોન કલબના પાળા પાસે ફરવા ગયો હતો. આ દરમિયાન આ કપલનો પીછો કરી ચાર અજાણ્યા શખ્સોએ કપલને ધમકાવી તમે ઘરેથી ભાગીને આવ્યાં છો તેમ કહી તેઓની પાસે રહેલો મોબાઈલ આંચકી ભાગ્યા હતાં. આથી યુવાને આ ચારેય શખ્સોનો કાળીયાબિડ સુધી પીછો કર્યો હતો અને ત્યાં રીક્ષામાં સવાર આરોપીઓને મોબાઈલ પરત કરવા જણાવ્યું હતું.

પરંતુ શખ્સોએ યુવાનને ધમકાવી ત્યાંથી ફરાર થઈ જતાં યુવાને ચારેય શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રીક્ષામાં બેઠેલા ચારેય આરોપીને પોલીસે ઝડપી લીધા આ ફરિયાદ આધારે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનના જવાનોએ ટેકનિકલ સોર્સીસના આધારે બોરતળાવ બાલવાટીકા પાસે રીક્ષા નં-જી-જે-04-AU-2249માં બેઠેલાં ચારેય શખ્સોને ઝડપી લીધા હતાં. શાહરૂખ ઉર્ફે નવાબ હનિફ પઠાણ ઉ.વ.24 રે.આનંદનગર સ્લમબોર્ડ શક્તિ રણજીત ગોહિલ ઉ.વ.31 રે.રામદેવ નગર આવાસયોજના મહંમદ હુસૈન રફીક હમિદાણી ઉ.વ.32 રે.મેમણકોલોની ભરતનગર તથા સુનીલ આલજી રાઠોડ ઉ.વ.25 રે.એસટી વર્કશોપ સામે ભાવના સોસાયટી મફતનગર વાળાઓની પુછપરછ સાથે અંગ ઝડતી કરતાં આ શખ્સોના કબ્જા તળેથી ફરિયાદીના મોબાઈલ નંગ-2 મળી આવ્યાં હતા. તેમજ આ આરોપીઓએ ગુનાની કબુલાત કરતાં પોલીસે બે મોબાઈલ તથા ગુનો કરી ફરાર થઈ જવા ઉપયોગમાં લીધેલી રીક્ષા મળી કુલ રૂ.45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કોવિડ પ્રોટોકોલ મુજબ કામગીરી પૂર્ણ કરી આરોપીઓને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.