મગફળીનો પાક પલળી જતાં નુકસાન થવાની ભીતિ, મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ હજુ પણ યથાવત


દેવરાજ બુધેલિયા
ભાવનગર હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરમા ગત રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સવાર સુધી સતત ધીમી ધારે ઝરમર વરસાદ વરસતાં ખેડૂતોના માલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ માર્કેટ યાર્ડમાં મગફળીના મોટા પ્રમાણમાં બહાર પડી હોય જે પલળી જતાં નુકસાન થવાની પણ ભીતિ છે. ગત મોડી રાતથી ઝરમર વરસાદના કારણે માર્કેટ યાર્ડમા રહેલી મગફળીનો જથ્થો પલળી ગયો હતો. ભાવનગર માર્કેટ યાર્ડમાં 20 હજારથી વધુ ગુણ મગફળી ખુલ્લામાં પડી હતી. યાર્ડમા મગફળી ઉપરાંત ડુંગળીનો જથ્થો પણ પલળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગર શહેર અને જિલ્લાનાં પંથકમાં ઝરમર વરસાદ, પંથકમાં સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભાવનગર સહિત અનેક જગ્યાએ મોડી રાતથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો.એપીએમસીના વહીવટદાર એમ.એસ.લોખંડેએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે અમે ખેડૂતોને માલ નહીં લાવવા વાકેફ કર્યા હતા. વેપારીઓને પણ ખુલ્લામાં પડેલો માલ પલળે નહીં તેની સૂચનો આપી દીધી હતી. મોટાભાગના માલને તાલપત્રી મારફતે ઢાકી દેવમો આવ્યો હતો. જોકે, થોડો ઘણો માલ ખેડૂતો ન આવવાના કારણે પલળી ગયો હોય તેવું જણાય છે.