નરેશ પટેલે લીધી દિલ્હીની ઉડતી મુલાકાત : કોંગી નેતાઓને મળ્યાની ચર્ચા, કોંગ્રેસના ડૂબતા જહાજને મળશે નરેશ પટેલનો સહારો?

મિલન કુવાડિયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છું. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે.

આ દરમિયાન નરેશ પટેલ આજે દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. જયાં તેઓ રાજકીય મુલાકાત કરી શકે છે. બીજી તરફ એવી પણ શકયતા સેવાઈ રહી છે કે, હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ નરેશ પટેલને મોટું પદ પણ આપી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કોંગ્રેસના જ નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં કયારે જોડાવાના છે તેની તારીખ હાઈકમાન્ડ જાહેર કરે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની કવાયત ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.