જગદીશ ઠાકોરે 15 દિવસ પહેલાં કોંગ્રેસને બેઠી કરવાની રણનીતિ જાહેર કરી હતી, કહ્યું હતું, કોંગ્રેસનો ઝંડો લઈને લોકોની વચ્ચે જવું પડશે

ગલ્લાઓ અને ગલીઓમાં જઈને ચાલતા જ યાત્રા કરીને લોકોને સમજાવવા પડશે, 15 નવેમ્બરે પાટણમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં કાર્યકરોને કહ્યું હતું, ભાજપનો ડર કોંગ્રેસે દૂર કરવો પડશે


મિલન કુવાડિયા
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી. એ ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજય થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓએ રાજીનામાં આપ્યાં હતાં, જેથી છ મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ સુકાની વગરની હતી. હવે ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા જગદીશ ઠાકોરના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. તેમને પોતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનશે એવો અણસાર આવી ગયો હતો, જેથી તેમણે 15 દિવસ પહેલાં જ કોંગ્રેસને બેઠી કરવા અને ભાજપને પછાડવાની રણનીતિ અગાઉથી જ તૈયાર કરી રાખી હતી.

તેમણે 15 નવેમ્બરે પાટણમાં યોજાયેલા જનજાગરણ અભિયાન તથા નૂતન સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસની રણનીતિ વિશે વાત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે આપણે છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી, કારણ કે જે લોકો કોંગ્રેસમાં જોડાવા માગે છે તે લોકો ભાજપના ડરથી કોંગ્રેસમાં જોડાતા નથી. લોકોને જગાડવા માટે કોંગ્રેસે લોકસંપર્ક વધારવો પડશે. લોકોની વચ્ચે જઈને સરકારનાં કાવતરાં ખુલ્લાં પાડવા પડશે. તો જ લોકો કોંગ્રેસ સાથે જોડાશે.