ગુરૂવારથી પ્રિ-સ્‍કુલ – બાલમંદિર અને આંગણવાડીઓ ખુલશે

વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાશે : કોરોનાની SOPના પાલનની કડક સુચના : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની જાહેરાત

મિલન કુવાડિયા
કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતા હવે તમામ ક્ષેત્રે પ્રતિબંધો હળવા થઇ રહ્યા છે ત્‍યારે તા. ૧૭ના ગુરૂવારથી રાજ્‍યમાં પ્રિ-સ્‍કુલ, બાલમંદિર અને આંગણવાડીઓ ખુલશે. રાજ્‍ય સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે.રાજયમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતા હવે શિક્ષણ પણ રાબેતા મુજબ થવા લાગ્‍યું છે. રાજય સરકારે ૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧થી ૯ સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે ૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ બે વર્ષમાં પહેલીવાર પ્રિ-સ્‍કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

પ્રિ-સ્‍કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે.પ્રિ-સ્‍કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું કે, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજય સરકારની નજર છે. તેમજ તે માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.વર્ષ ૨૦૨૦માં સ્‍કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્‍થાઓમાં શૈક્ષણિક કાર્ય ૧૬ માર્ચથી બંધ કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ જાન્‍યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ ૬થી ૧૨ની સ્‍કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્‍થિતિ ત્‍યાંની ત્‍યાં જ આવી જતાં ૧૮ માર્ચ, ૨૦૨૧માં ચાર મહાનગરોમાં ફરી સ્‍કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

ત્‍યાર બાદ ફરી ઓગસ્‍ટમાં સ્‍કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ ડિસેમ્‍બર ૨૦૨૧માં ત્રીજી લહેર શરૂ થતા જાન્‍યુઆરી ૨૦૨૨માં સ્‍કૂલો બંધ કરવામાં આવી હતી.સંતાનને સ્‍કૂલ મોકલવા માટે વાલીએ હસ્‍તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે. બાળકોને શાળાએ પહોંચાડ્‍યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે. સ્‍કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્‍ક પહેરીને આવવું પડશે. બાળકને કોરોનાની ગાઇડલાઇનથી અવગત કરાવીને સ્‍કૂલમાં પણ તેનું પાલન કરે તેનું ધ્‍યાન વાલીએ રાખવું પડશે. એસઓપીના પાલન માટે સ્‍કૂલના મેનેજમેન્‍ટને સહકાર આપવાનો રહેશે.