ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં ચિંતાજનક વધારો, સાયબર અપરાધીઓ અવનવી લાલચ આપી બેન્ક ખાતા ખાલી કરે છે, નિડર બની પોલીસનો સંપર્ક સાધવો

હરિશ પવાર
સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન છેતરપિંડી, બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાની ગેરવૃત્તિમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે સાઈક ક્રાઈમને અટકાવવા પોલીસ વોલન્ટિયરની મદદ લેશે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રશન પણ શરૂ કરાયું છે. ટેકનોલોજીના યુગમાં લોકો સરળતા-ઝડપથી કામકાજ માટે ઈન્ટરનેટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ઓનલાઈન પૈસાની લેતી-દેતી પણ વધી છે. ત્યારે સાયબર અપરાધીઓ દ્વારા અવનવી લાલચ આપી નાગરિકોના બેન્ક ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે. આવા સાયબર ક્રાઈમનો મુખ્ય આધાર લાલચ, શોર્ટકટની વૃત્તિ, નોકરી મેળવવાની લાલચ જેવા વિચારોના કારણે ગઠિયાઓ તેનો ગેરફાયદો ઉઠાવી લોકોની મરણમૂડીને પલવારમાં જ સાફ કરી જાય છે.

ત્યારે ઓનલાઈન છેતરપિંડી, બ્લેકમેઈલિંગ, સ્ટોકિંગ વગેરે જેવા બનાવોને નાથવા માટે તેમજ સોશિયલ મીડિયામાંથી અપવાદજનક કન્ટેન્ટ દૂર કરવા સરકાર દ્વારા સાયબર વોલન્ટિયર (સાઈબર એક્સપર્ટ)નું ભારત સરકારના સાઈબરક્રાઈમ.ગર્વ.ઈન. પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. લોકોમાં સાઈબર ક્રાઈમ અવેરનેસનો ફેલાવો, સેમિનાર અને સાઈબરના ગુનાને શોધવામાં તેઓની મદદ લેવાશે. જેથી ગુજરાતમાં પણ વોલન્ટિયર બનવા માગતા લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ભાવનગર સાઈબર સેલ દ્વારા અનુરોધ કરાયો છે.વધુમાં લોન આપતી એપ્લિકેશન, લાઈટ બીલ અપડેટ, ગુગલ પર સર્ચ કરવામાં આવતા કસ્ટમર કેર કે હેલ્પલાઈનનો નંબર, અજાણી એપ્લીકેશન, ઓનલાઈન ફોર્મ ભરવા, કોઈપણ પ્રકારની લાલચમાં આવી નાણાંની લેવડ-દેવડ, નોકરીની લાલચમાં ન આવવા, લક્કી ડ્રોના વિજેતા બન્યાના મેસેજથી દૂર રહેવા સહિતની બાબતો પર થતા સાઈબર ક્રાઈમથી નાગરિકોએ બચવા તાકીદ કરાઈ છે.