સિહોર વડલાચોક વિસ્તાર પટેલ મેડિકલ વાળા ખાંચામાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે.તંત્રવાહકોની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે સ્થાનિક વેપારીઓ દુકાનદારો અને રહિશોને રાત દિવસ અકારણ કમને માથુ ફાટી જાય તેવી દુર્ગંધ સહન કરવાનો વખત આવતા આક્રોશ ભભૂકી ઉઠયો છે અહીં લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે. આ ગંભીર બાબતે ચૂંટાયેલા સ્થાનિક નગરસેવકો અજાણ હોય તેવુ તેઓ વર્તન કરી રહ્યા છે. અસહ્ય ગંદકીના કારણે દુકાનદારો વેપારીઓ અને રહિશોને તેમના ઘરની બહાર નિકળવુ અથવા તો તેઓને પોતાના ઘરના બારી અને બારણા ૨૪ કલાક સંપૂર્ણપણે બંધ રાખવાનો વખત આવ્યો છે.ખાસ કરીને હાલ ચોમાસુ ચાલી રહ્યુ હોય અને એક તરફ પ્રિ-મોન્સુન કામગીરીના અભાવના કારણે મામુલી વરસાદમાં જ આ વિસ્તારમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ જાય છે. ત્યારે વરસાદનું અને ગટરનું પાણી બંને ભેગુ થઈ જતા ગંદકીનું સામ્રાજય છવાઈ જાય છે. જેના કારણે અહિં માખી, મચ્છર અને ઝીણી જીવાતનો ભારે ઉપદ્રવ વધી રહ્યો છે. જેથી આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની પુરેપુરી શકયતા જણાઈ રહી છે.તેમ છતાં શાસકો દ્વારા યોગ્ય તકેદારીના પગલા ભરવામાં આવતા નથી વરસાદી પાણી અને ગટરના પાણીમાં ફરજીયાતપણે પગ મુકીને પસાર થવુ પડે છે. પરંતુ જાણે કે, તંત્ર આ ગંભીર બાબતે  અજાણ હોય અને ચૂંટાયેલા નગરસેવકોને તેમના મતક્ષેત્રના લોકોની જરાપણ ચિંતા ન હોય તેવુ મતદારોને તેમજ દુકાનદારો વેપારીઓનર લાગી રહ્યુ છે. જેથી તંત્રવાહકો દ્વારા વહેલી તકે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી નગરજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.