ઘોઘા બંદરે સિગ્નલ ન મૂકવાને કારણે માછીમારો મુંઝવણમાં મુકાયા, દરીયા કિનારે તિવ્ર ગતિએ પવન ફૂંકાયો, રો-પેક્સ ફેરી સેવાનું સિગ્નલ તૂટીને તણાયું

મિલન કુવાડિયા
ભાવનગરમાં નવેસરથી ચોમાસાનો પ્રારંભ થયો હોય એવો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી વરસાદ સાથે હાડ થીંજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ઘોઘાના દરિયાકાંઠે 3થી 4 ફૂટ મોજા ઉછળી રહ્યા છે, વિશાળ સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો હોવાનું દરિયો ખેડતા સાગરખેડૂઓ જણાવી રહ્યાં છે.

બોક્સ..

શિયાળામાં દરિયામાં હેવી કરંટ જોવા મળ્યો

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની સૌથી વધુ અસર સમુદ્રી તટવર્તિય વિસ્તારોમાં જોવા મળી રહી છે, ગુજરાતના સૌથી લાંબો દરીયા કિનારો ભાવનગર જિલ્લામાં આવેલો છે. છેલ્લા બે દિવસથી ખરાબ હવામાનની અસર દરિયો બયાન કરી રહ્યો છે. ભાવનગરનો દરિયો છેલ્લા ત્રણ દિવસથી અત્યંત રફ બન્યો છે. હાલના શિયાળામાં દરિયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે.

સીગ્નલ તણાઈને કુડા ચરફ તરફ આવ્યું

ગઈ કાલે રાત્રે ઘોઘા, કુડા, કોળીયાકના દરિયા કિનારે ફૂંકાયેલા ભારે પવનને કારણે રો-પેક્સ ફેરી સેવાનું સિગ્નલ સમુદ્રમાં પડ્યું હતું. આ સિગ્નલ તણાઈને પ્રથમ કોળીયાક નિષ્કલંક મહાદેવ પાસે ત્યારબાદ કુડા ચરફ તણાઈને આવ્યું હતું. ભારે પવનને કારણે આજે તેરસ તિથિએ દરિયામાં ભારે ભરતી આવી છે.

સાગર ખેડૂને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

વધુમાં સુત્રોએ જણાવ્યું છે કે, ભાવનગરની ખાડીમાં દહેજ-હજીરા સમુદ્રી રક્ષક દળની સ્પીડ બોટ પેટ્રોલીંગ કરી રહી છે. તેમજ સાગરખેડૂને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ રહી છે સાથે બોટોને પણ નજીકના બંદરગાહ પર લાંગરી દેવા સુચના આપવામાં આવી છે.