ઈંધણના ભાવમાં ધગધગતો ડામ તોળાઈ રહ્યો છે ત્યારે સિંગતેલમાં વધુ ૫૦નો વધારો, સરકાર બેફીકર : મહિનામાં તમામ તેલોમાં કિલોએ સરેરાશ ૧૫નો વધારો

હરિશ પવાર
ઈંધણના પહેલેથી જ ઉંચા ભાવમાં  હજુ તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં જેની માંગ કરતા બે વર્ષથી મબલખ વધુ ઉત્પાદન થાય છે તેવા  સિંગતેલ અને કપાસિયા તેલમાં કૃત્રિમ વધારાનો સિલસિલો શરુ થયો છે. આજે સિંગતેલમાં રૂ।.૫૦, ગઈકાલે રૂ।.૬૦ સહિત બે દિવસમાં જ ૧૫ કિલો ટીનમાં રૂ।.૧૦૦નો ઐતહાસિક વધારો થયો છે. તો પામતેલમાં પણ રૂ।.૧૧૦નો અને કપાસિયા તેલમાં રૂ।.૯૦નો વધારો થયો છે. ગુજરાતમાં ગત વર્ષે ૩૯ લાખ ટન મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું, પરંતુ, પામતેલ સહિતના સાઈડ તેલો ઈન્ડોનેશિયા-મલેશિયા દેશોની નીતિરીતિ અને આંતરરાષ્ટ્રીય સટ્ટાખોરોના ઉંચા અંદાજોના પગલે વધતા તેની સાથે સૌરાષ્ટ્ર સિંગતેલ અને કપાસિયા તેલ ઉંચકાયું  હતું.

જેમાં યુક્રેન યુધ્ધના પગલે સૂર્યમુખી તેલમાં ૪૫૦નો વધારો થયો છે.મહિનામાં પામતેલમાં સૌથી વધુ રૂ।.૪૮૫નો વધારો થયો છે. જ્યારે સિંગતેલ-કપાસિયામાં રૂ।.૩૪૦ વધ્યા છે.શુધ્ધ ઘીને બદલે વનસ્પતિ ઘીનો વિકલ્પ ગરીબો અપનાવે તો તેના ભાવ પણ ૨૫૦૦ને પાર થયા છે.  ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારુ ફરસાણ,ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે.  ખાદ્યતેલ ઉપરાંત મરચા,જીરુ,ધાણા સહિત મસાલાના ભાવ ગત વર્ષની સાપેક્ષે ત્રીસ ટકા જેવા વધ્યા છે.  ઘંઉ મોંઘા થયા છે, રાંધણ ગેસ કે પી.એન.જી.માં તાજેતરમાં જ તોતિંગ વધારો થયો છે જેના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.