
સરકાર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા માટે ઘરે ઘરે મચ્છરદાની વહેંચી હોવાની એક વાત સામે આવી છે પરંતુ ખાસ કરીને સિહોર કે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં આ મચ્છરદાની નું વહેંચણી થતું હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી
મિલન કુવાડિયા..
રાજ્યમાં વરસાદના વિરામ પછી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થતો જાય છે. તાવ, શરદી, ઝાડા, ઉલટી જેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુંના કારણે લીમડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓમાં મોત નીપજ્યા હતા. રાજકોટમાં છેલ્લા 24 કલાકના ત્રણ બાળકનો મોત નીપજ્યા છે. ગઈ કાલે પાંચ અને ત્રણ મહિનાના બે નવજાત બાળકોના શંકાસ્પદ મોત નીપજ્યા હતા અને આ ઘટનાના 24 કલાકમાં વધુ એક છ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારી અધિકારીઓ કહી રહ્યા છે કે તેમણે જિલ્લાદીઠ લાખોની સંખ્યામાં મચ્છરદાનીઓ વહેંચી છે. પરંતુ તેઓ નાયબ મુખ્યમંત્રી સામે જ જુઠું બોલતા પકડાઇ ગયા હતા. વકરી રહેલા રોગચાળાને કાબુમાં લેવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નાયબમુખ્ય મંત્રીએ તમામ અધિકારીઓનો ઉધડો લીધો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને નબળી કામગીરી કરનાર અધિકારોઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં વન બાય વન રીપોર્ટ માંગીને નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે જે, વિસ્તારમાં મલેરિયા કે અન્ય રોગોના કેસોની સંખ્યામાં વધારો થશે તો તે વિસ્તારના અધિકારીની સીધી જવાબદારી બનશે.આ બેઠકમાં સુરેન્દ્રનગરના અધિકારીને કામગીરી બાબતે પૂછતાં તેમને 1.60 લાખ મચ્છરદાનીનું વિતરણ કર્યું હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. જોકે, તેમને કહ્યું કે, આટલી મચ્છરદાની હજુ જિલ્લામાં પૂરી પડાય જ નથી. ત્યારે અધિકારીએ ખુલાસો કરતા બે વર્ષના આંકડા હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને નાયબ મુખ્યમંત્રી રોષે ભરાયા હતા અને તે અધિકારીને ઠપકો આપીને સાચી માહિતી રજૂ કરવા માટે જણાવ્યુ હતું. જોકે, નાયબ મુખ્યપ્રધાન બીજા જિલ્લાઓના આંકડા પણ મગાવે તો ચોંકાવનારી બાબતો સામે આવે તેમ છે. કારણ કે મચ્છરદાની કોને અને ક્યાં પૂરી પડાય છે તેનો ચોક્કસ આંકડો કોઇ જિલ્લો આપી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલોમાં 36 ડેન્ગ્યું નિદાન કેન્દ્રો અને મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે 210 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમોને કામે લગાડવામાં આવી છે.