રાક્ષેસી કૃત્ય કરનારા હત્યારા બાપ સામે ચોમેરથી ફિટકાર, પાષાણ હદયના માનવીના કાળજા કંપાવતી ક્રૂર ઘટના ગઈકાલે રજા દિવસે ભાવનગરમાં ઘટી

પિતા શબ્દ પરથી વિશ્વાસ અને શ્રદ્ધા ડગમગી જાય તેવી ભયાનક અને કરુણ ઘટના, આ બાપને કેવો ગણવો લોકોના મોઢે એક જ વાત, જલ્લાદના હાથ પણ કંપી ઉઠે તો આ માનવ નું હૈયું કેમ ન કંપ્યું

કાનૂન નો રખેવાળ પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો કાયદાનો ભક્ષક, હે ઈશ્વર માનવતા કઈ હદે ઉતરી ગયી છે-પોતાના ત્રણ ત્રણ ફૂલ જેવા બાળકોને નિર્દયતાથી વેતરી ને હેવાન બની ગયેલો બાપ

સલીમ બરફવાળા
છેલ્લા ઘણા સમયથી ભાવનગર લોહીયાળ બની ગયું છે રજાના દિવસે એક પોલીસ કોન્સ્ટેબલ જેને કાયદાનું રક્ષણ કરવાનું છે તેને જ પોતાના ફૂલ જેવા કોમળ ત્રણ બાળકોને ધારધાર હથિયાર થી રહેંસી નાખ્યા હતા. આ રક્તરંજીત ઘટના ને લઈને પંથકમાં ચોમેર થી કોન્સ્ટેબલ હત્યારા ઉપર ફિટકાર વરસ્યો હતો.
પિતા શબ્દ પરથી વિશ્વાસ અને શ્રદ્ધા ડગમગી જાય તેવી ભયાનક અને કરુણ ઘટના, આ બાપને કેવો ગણવો લોકોના મોઢે એક જ વાત.ભાવનગરમાં આજે એક પિતાએ પોતાના ૩ માસુમ બાળકોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે. ભાવનગર પોલીસબેડામાં આસાન વિભાગમાં ફરજ બજાવતા સુખાભાઈ નાજાભાઈ શિયાળે આજે બપોરે પોતાના ઘરે ઘરકંકાસમાં ખૂની ખેલ ખેલ્યો હતો.જેમાં આવેશમાં આવેલા સુખાભાઈએ પત્નીને રૂમમાં પૂરી દઈ ઘરમાં રમી રહેલા ૩ માસુમ પુત્રોની મોટા દાતરડા જેવા હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનના નવા ક્વાટરમાં ૨૪૭ નંબરના ક્વાટર માં રહેતા સુખાભાઈ નાજાભાઈ શિયાળ કે જે ભાવનગર પોલીસબેડામાં આસાન વિભાગના ફરજ બજાવે છે. આજે બપોરે સુખાભાઈએ પોતાના ઘરે ઘરકંકાસથી કંટાળી જઈ ખેલેલા ખૂની ખેલથી પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.જેમાં સુખાભાઈએ બપોરના સમયે ઘરકંકાસમાં પોતાની પત્ની સાથે ઝગડો થયેલ અને આવેશમાં આવી જઈ પોતાની પત્નીને ઘરના બીજા રૂમમાં પૂરી દઈ ઘરમાં રમી રહેલા તેમના ત્રણ પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોમિત કે જેમની ઉમર ૩ થી ૭ વર્ષ સુધી ની છે તેમના પર દાતરડા જેવા હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.આ બનાવ ના પગલે પોલીસ લાઈન ક્વાટરમાં દોડધામ મચી હતી અને તાકીદે ડી.આઈ.જી-એસપી અને ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. જેમાં પ્રથમ સુખાભાઈ ની ધરપકડ કરી તેને પોલીસ મથક મોકલી દેવામાં આવ્યો હતો તેમજ બાદમાં પોલીસે આ બાબતે સુખાભાઈ ની પત્ની ની પણ પૂછપરછ કરી હતી. જયારે પોલીસે ત્રણેય બાળકોની લાશને પીએમ માટે મોકલી આપી આ ઘટનામાં ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવના પગલે ક્વાટર માં પણ અન્ય પોલીસ કર્મચારી પરિવારો સ્તબ્ધ થઇ ગયા હતા અને તેઓ પણ બહાર દોડી આવ્યા હતા. જયારે ઘરકંકાસમાં ચારિત્ર્ય બાબતની પણ આપસી શંકા-કુશંકા જવાબદાર હોય તેવું ચર્ચાય રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here