- મૂળ પાલીતાણાના રહેવાસી હાલ સુરતના ટોપ બિલ્ડર્સમાં આવતા રવાણી ડેવલપર્સના ભાગીદાર હરેશ રવાણી (44)એ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું પ્રાથમિક કારણ પૈસાની તંગી હોવાનું બહાર આવ્યું છે.સુરતના પોશ વિસ્તાર વેસુમાં મોટા પ્રોજેક્ટ્સ ધરાવતા રવાણી ડેવલપર્સના ભાગીદાર હરેશ રવાણીએ કામરેજ ખાતે જોય એન્ડ જોય ફાર્મ હાઉસને પ્રોજેક્ટ ખાતે પંખાથી ગળે ફાંસો ખાઇને સોમવારે સાંજે આપઘાત કરી લીધો હતો. તેઓ અઠવાલાઇન્સ ખાતે મેઘદૂત સોસાયટીમાં રહેતા હતા. તેમને પુત્રો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમીનોમાં મોટું રોકાણ અને પછી કરોડોના વ્યાજના ચક્કરમાં નાણાની ખેંચ ઉભી થઇ હોવાની શક્યતા છે. આ કારણે તેઓ થોડા દિવસથી ડિપ્રેશનમાં હતા. તેમણે આપઘાત કરી લેતા બિલ્ડર ગ્રુપમાં સોપો પડી ગયો હતો. જોકે, બિલ્ડર લોબીમાંથી એવી પણ જાણકારી મળી હતી કે હરેશ રવાણી રવાણી ગ્રુપના નાના ભાગીદાર હતા. મુખ્ય ડેવલપર્સ બીજા છે. સ્યુસાઇડ નોટમાં દબાણ કરનારાના નામ લખ્યા સૂત્રોએ જણાવ્યું કે સ્યુસ્યાઇડ કરતા પહેલા હરેશે એક નોટ લખી હતી જેમાં તેમણે કોના દબાણથી આપઘાત કરી રહ્યા છે તેમના તમામના નામ પણ લખ્યા છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. તેમની પાસે કોણ કોણ લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા તે અંગેની વિગતો પણ લખી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
