સિહોર સહિત જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શન મામલે ઉચ્ચસ્તરેથી કાર્યવાહી કરવા આદેશો છૂટ્યા

મિલન કુવાડિયા
રાજ્યમાં કોરોના વાયરસની ભવિષ્યની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ, ૧૮૯૭ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ધ એપેડેમિક રેગ્યુલેશન, ૨૦૨૦ લાગું કરવામાં આવેલ છે તેમજ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને કોવિડ-૧૯ ના નિવારાત્મક પગલાં લેવા માટે નોડલ અધિકારીશ્રી તરીકે રાજ્ય સરકારથી તરફથી નિમવામાં આવેલ છે. જિલ્લામાં હાલ કોવિડ-૧૯ ના કેસો વધારે પ્રમાણમાં આવી રહ્યાં છે.

તેમજ જિલ્લાની કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની સારવાર લઇ રહેલ દર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. જેથી કોવિડ-૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. જેથી અન્ય જિલ્લાઓની જેમ રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે થઇ રહેલ કાળાબજારી તથા સંગ્રહખોરીને અટકાવવાં માટે નિવારાત્મક પગલા લેવા અતિ આવશ્યક જણાય રહેલ છે. ભાવનગર જિલ્લામાં આવેલ તમામ કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનાં સંચાલકોને જણાવવામાં આવે છે.

આપની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દી કે તેમના કુટુંબીજનો દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે ખાસ તકેદારી રાખવાની રહેશે. જેમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓનું નિયત રજીસ્ટર નિભાવી અને રોજે રોજ દર્દીઓનાં સ્વાસ્થ્ય અંગેની નોંધ કરવી, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અતિ ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની પ્રથમિક્તા આપવી, રેમડેસિવિર ઇન્જેક્શન આપેલ દર્દીઓનું અલગ રજીસ્ટર નિભાવી તારીખ અને આપવામાં આવેલ ડોઝ સહિતની વિગતો નિભાવવી, હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરીયાતવાળા દર્દીઓને ફાળવવાને બદલે અન્ય દર્દીઓને ન ફાળવાય

તેની તકેદારી રાખવી અને હોસ્પિટલમાં કાર્યરત કર્મચારી કે આરોગ્ય કર્મીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનો ગેરકાયદેસર સંગ્રહ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે સબબ, હોસ્પિટલમાં તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમજ જો ઉક્ત બાબતે કોઇપણ ફરીયાદ મળશે તો સબંધિત હોસ્પિટલ સંચાલક સામે એપેડેમિક એક્ટ-૧૮૯૭, ભારત સરકારશ્રીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અને ભારતિય દંડ સહિતા-૧૮૬૦ ની જોગવાઇ અન્વયે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here