પ્રદેશ પ્રમુખ પાટીલના સ્વાગત વખતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડયાં, પોલીસે તમાશો નિહાળ્યો માસ્ક વગરના સામાન્ય માણસને ૧૦૦૦ રૂ. દંડ ને ભાજપની રેલી સ્વાગત કાર્યક્રમમાં કાર્યકરો ઉઘાડા મોં એ ફરે છે

શંખનાદ કાર્યાલય
એક બાજુ, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે.રોજ એક હજારથી વધુ કેસો નોધાઇ રહ્યાં છે અને ૨૦ દર્દીઓ મોતના મુખે ધકેલાઇ રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે પવિત્ર શ્રાવણ,પર્યુષણ સહિતના અન્ય ધાર્મિક તહેવારો જ નહીં, મેળા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોને કામ સિવાય બહારક નીકળવા સલાહ આપવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ,ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટયા હતાં જેના કારણે સોશિયલ ડિસટન્સના નિયમોના રીતસરના ધજાગરાં ઉડયાં હતાં. એટલું જ નહીં, ખુદ ભાજપના નેતાઓ જ માસ્ક વિના દેખાયાં હતાં. આમ,ભાજપના નેતાઓ જાણે  સરમુખત્યારશાહી અપનાવી રહ્યાં છે.

ગુજરાતમાં કોરોના હજુય અંકુશમાં આવી શક્યો નથી. હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે માસ્ક ન પહેરે તો એક હજાર દંડ ફટકારવા નિર્ણય કર્યો છે.પણ ગઇકાલથી ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. લોકો કોરોનાથી મરી રહ્યાં છે ત્યારે સી.આર.પાટીલને પેટાચૂંટણી જીતવાનું શૂરાતન ઉપડયુ છે. સોમનાથથી શરૂ થયેલાં રાજકીય પ્રવાસમાં ઠેર ઠેર ભાજપના કાર્યકરોની ભીડ એકત્ર કરીને પાટીલનુ સ્વાગત કરાયુ હતુ. ભાજપના નેતાઓ ગરબે ઝૂમ્યા હતાં.

તે વખતે સોશિયલ ડિસટન્સનો રીતસર ભંગ કરાયો હતો. એટલું જ નહીં, કેટલાંય લોકોએ માસ્ક સુધ્ધા પહેર્યા ન હતાં. આવી સ્થિતીમાં જાણે ભાજપના નેતાઓ-કાર્યકરોને કોરોનાનો ડર જ રહ્યો ન હતો. પાટીલના આગતા સ્વાગતામાં આટલી ભીડ એકઠી થાય તો વાંધો નહી પણ મંદિરોમાં  પાંચ-દસ ભાવિકો આરતી-દર્શન કરવા જાય તો કોરોના વકરી શકે છે તેવી દલીલ કરાય છે.  સોશિયલ મિડિયામાં ય લોકોએ આ જ મુદ્દે રોષ ઠાલવ્યો હતો કે,શ્રાવણ-પર્યુષણમાં ભાવિકો મંદિરે જાય તો સરકાર-પોલીસને ભીડ દેખાય છે.

પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની રેલીમાં ઢોલ નગારા સાથે લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય તો પોલીસને નિયમનો ઉલ્લંઘન દેખાતુ નથી. લોકોએ સોશિયલ મિડીયામાં એવી ટીકા કરતી કોમેન્ટો કરી કે, સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે અથવા સોશિયલ ડિસટન્સના નિયમોનું પાલન ન કરે તો પોલીસ દંડ લેવામાં જરાય ચૂક કરતી નથી. પણ ભાજપના નેતા-કાર્યકરો નિયમોનો ભંગ કરે તો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને તમાશો નિહાળે છે.  ટૂંકમાં,નિયમો માત્ર પ્રજા માટે જ છે.ભાજપના નેતા-કાર્યકરોને કઇં નડતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here