સિહોર સહિત જિલ્લામાં હાલ ૧૦૪ દર્દીઓ લઈ રહ્યા છે હોમ આઇસોલેશનનો લાભ

સલીમ બરફવાળા
સિહોર સાથે જિલ્લાના નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોના સામાન્ય લક્ષણો ધરાવતાં અથવા તો લક્ષણો જ ન દેખાતા હોય તેવા માઈલ્ડ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે પણ ‘હોમ આઈસોલેશન’ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે હવે ગ્રામીણ વિસ્તારના કોરોના પોઝીટિવ દર્દી સરકારશ્રીની માર્ગદર્શિકાને આધીન પોતાના ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં દર્દીઓ જાહેર કરાયેલ ખાનગી હોસ્પિટલ ખાતેથી સરકારી દરે હોમ આઇશોલેશનની સુવિધા મેળવી શકશે.

બોક્સ..

હોમ આઇસોલેશન અંગે સરકારશ્રીની માર્ગદર્શિકા

આ માટે દર્દીની ઉમર ૧૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જરૂરી છે તેમજ દર્દીને અન્ય કોઈ બિમારી ન હોવી જોઈએ. દર્દીના ઘરની બહાર હોમ આઇસોલેશનનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. જે સારવાર આપનાર ફીઝીશીયન, એમ.ઓ., પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીની સારવાર કરે છે તેમણે દર્દીનું ઘરમાં એકાંત રહેવા માટેનું સંમતિ પત્રક લેવાનું રહેશે. દર્દીની સાથે કાળજી રાખવા માટે એક વ્યકિત ૨૪ કલાક તેમની સાથે કેર ગિવર તરીકે હાજર રહે તે જરૂરી છે. દર્દીના ફોલો-અપ માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીને જરૂરી વિગતો આપવાની રહેશે.

હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીએ શું કરવું

દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે, માસ્ક દરરોજ બદલવાનું રહેશે તેમજ ભીનું કે ગંદુ થાય ત્યારે તથા દર ૬ થી ૮ કલાકે માસ્ક બદલવાનું રહેશે. દર્દીએ પોતાના રૂમમાં જ રહેવું, દર્દીએ પૂરતો આરામ કરવો, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી તથા પોષ્ટિક આહાર લેવો, લીંબુ, મોસંબી, સંતરા, વગેરે ફળોનું સેવન કરવું, દરરોજ સવાર-સાંજ ઘરગથ્થુ આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું, ૪૦ સેકન્ડ સુધી સાબુ-પાણીથી હાથ વારંવાર ધોવા, દવાઓ નિયમિત લેવી, આપવામાં આવેલ મેડિકલ સાધનોથી નિયમિત આરોગ્ય પરીક્ષણ કરવું, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ શૌચાલયને ૨ ડોલ પાણીથી સાફ કરવું.

હોમ આઇસોલેશનમાં દર્દીએ શું ન કરવું

દર્દીએ ઘરના અન્ય વ્યક્તિઓના સંપર્કમાં ન આવવું, અન્ય લોકો સાથે વ્યક્તિગત વસ્તુઓની આપ-લે ન કરવી, તમે જે રૂમમાં છો ત્યાંથી બહાર ન નીકળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here