દુનિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની અરામકો પર ડ્રોન હુમલો થયા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની પ્રતિ દિવસ 57 લાખ બેરજ જેટલી ઘટ્ટ આવી રહી છે. તેના પગલે આવનારા મહિનાઓમાં જ પુરી દુનિયા સહિત ભારતના બજારમાં પણ કાચા તેલની કિંમતોને અસર થવાનું અનુમાન છે. સોમવારે બ્રેંટ ક્રૂડની કિંમતમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમતોમાં 20 ટકા તેજી આવી છે. 14 જાન્યુઆરી 1991 પછી એક જ દિવસમાં આટલો ઉછાળો આવ્યો હોય તેવું આજે બન્યું છે.
આગામી સમયમાં આ તમામ ગણતરીઓની અસર ભારતમાં પેટ્રોલની કિંમતો પર આવે તો ના નથી. આગામી સમયમાં પેટ્રોલના ભાવમાં 5 કે 7 રૂપિયાનો પ્રતિ લિટરનો ભાવ વધારો થાય તેવી શક્યતાઓ પંડિતો વર્ણવી રહ્યા છે.
શનિવારે હુથી વિદ્રોહીઓના સંગઠન દ્વારા સાઉદી અરબની ઓઈલ કંપની પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેમાં તેલના કુવાઓ સહિત ઘણું બધું નાશ પામ્યું છે. આ હુમલાએ કંપનીનું ઉત્પાદન લગભગ અડધું ઘટાડી દીધું છે. કાચું તેલ આ અરસામાં 20 ટકા મોંઘું થઈ ગયું છે. ઓઈલ પ્રાઈઝ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે સોમવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ 19.50 ટકા વધ્યો છે. આ વિશ્વના ઈતિહાસમાં 28 વર્ષ પછીની એક જ દિવસમાં આવેલી સૌથી મોટી તેજી છે.
એનર્જી તજજ્ઞો અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે પહેલાથી જ એક તરફ તણાવ ચાલી રહ્યો છે તે દરમિયાન અરામકો કંપની પરના ડ્રોન હુમલા પછી ખાડી વિસ્તારમાં તણાવ વધુ ગયાની આશંકા છે. જો ખાડી વિસ્તારમાં તણાવ વધશે તો કાચા તેલની કિંમતોમાં આવનારા સમયમાં મોટી તેજી આવવાની શક્યતા છે. આગામી એક મહિનામાં ફરી એક વાર કાચા તેલના ભાવ 70 ડોલરને પાર જઈ શકે છે. રુસ અને ઓપેક દેશો દ્વારા કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકાયાની વચ્ચે અરામકો પર આ હુમલો વૈશ્વિક ઓઈલ બજારમાં તોફાન લાવી શકે છે. એવું થવા પર ભારતી અર્થવ્યવસ્થા પર પણ અસર થશે.
એક તરફ ભારતમાં અર્થવ્યવસ્થા સામે કપરા ચઢાણો છે, ત્યાં આવો તોતિંગ વધારો આવે તો જનતાના રોષનો ભોગ બનવું પડશે તે સ્વાભાવીક છે. જોકે હાલમાં જ નવા ટ્રાફિક નિયમોને કારણે પણ લોકોમાં એક રોષ તો છે જ, કદાચ આ પેટ્રોલનો ભાવ વધારો તેમના ખિસ્સા વધુ ઢીલા કરી નાખે તો રોષ વધુ ભભૂકે તેવી શક્યતાઓ હાલ પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here