સલીમ બરફવાળા

સમગ્ર રાજ્યની સાથે દેશમાં હેલ્મેટની હાડમારી અને ટ્રાફિકના નવા નિયમોનો લોકોમાં ઉભો થયેલો રોષ ની વચ્ચે અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા હાલ બરવાળા ફરજ બજાવતા પોલીસ અધિકારીએ કર્યું કઈક આવું..

પ્રિય દોસ્ત પોલીસ

આમ તો સામાન્ય દિવસમાં અમે તને સાહેબ જ કહીએ છીએ પણ આજે તને દોસ્ત કહેવાનું અને તુકારે વાત કરવાનું મન થાય એટલે તું માઠું લગાડતો નહીં, આમ તો તને ખબર છે આપણે માઁ અને ભગવાન સિવાય બધાને તમે કહીને સંબોધીએ છીએ પણ આજે તું માઁ અને ભગવાન જેટલો જ નજીકનો લાગી રહ્યો છે. આમ તો તું અમારા પૈકીનો જ એક છે છતાં જ્યારથી તારા શરિર ઉપર ખાખી આવી ત્યારથી તું બદલાઈ ગયો છે તેવું અમને લાગ્યું હતું. અમને ખબર છે તારૂ બદલાવુ તારી ફીતરત ન્હોતી, પણ સમયની સાથે અમે પણ જેમ બદલાયા તેમ તારૂ બદલાવુ સમયના પરિવર્તનની જેમ સહજ હતું, છતાં તારી પાસેની અમારી વધારે પડતી અપેક્ષાને કારણે અમે તને સતત આરોપીના કઠેડામાં ઉભા રાખતા આવ્યા છીએ, તારી પણ ભુલો છે અને તારી પણ મર્યાદાઓ છે તેનું કારણ તુ પણ અમારી માંથી જ એક છે એટલે અમે છીએ તેવો જ તુ છે.
ખુદ તને પણ ખબર છે તારા મોંઢે તને સાહેબ કહેતા લોકો તારી પીઠ ફરે ત્યારે તેવી વાતો કરતા હોય છે. પહેલા તો તને તેવી વાતોને કારણે માઠુ લાગતુ હતું, પણ પછી સમયની સાથે તુ તેવી વાતોથી ટેવાઈ ગયો, કદાચ તારી પાસે તેને ભુલવા અથવા તેનાથી ટેવાઈ જવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, ખેર આ બધી વાતો તો આપણે પછી કરીશુ, પણ મુળ વાત ઉપર આવીએ આપણે સ્કુલમાં અભ્યાસ કરતા હતા ત્યારે સમાજશાસ્ત્રના વિષયમાં ઈતિહાસના પાના વધુ હતું ત્યાર બાદ ભુગોળના પાઠ વધુ હતા અને નાગરિક શાસ્ત્રના સૌથી ઓછા પાના આપણે ભણ્યા છીએ ખરેખર આપણને ત્યારે નાગરિક શાસ્ત્રના વધુ પાઠ ભણાવવાની જરૂર હતી તો કદાચ આપણે આજ કરતા પણ વધુ સારા નાગરિક થઈ શકયા હોત. તેવી જ રીતે જયારે તુ પોલીસ દળમાં ભરતી થયો ત્યારે પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં શારિરીક રીતે રગડી નાખવામાં આવ્યો, આઈપીએસ, સીઆરપીસી અને એવીડન્સ એકટ તારા મગજમાં ઢોંસી ઢોંસી ભરી દેવામાં આવ્યો.
પણ તારી પોલીસ ટ્રેનીંગ સ્કુલના કોઈ આચાર્યએ તને કયારેય સમજાવ્યુ કે નહીં કાયદો અને વ્યવસ્થાનો અર્થ થાય છે દરેક માણસ માણસ તરીકે જીવી શકે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરવાની અને તેને જાળવાની જવાબદારી આપણી છે. આખરે તારે તો રોજબરોજ માણસ સાથે જ કામ લેવાનું છે, અને જેમ કોઈ હોસ્પિટલમાં હવાફેર કરવા જતુ નથી તેમ પોલીસ સ્ટેશન પણ ઈચ્છાથી આવતા નથી, એટલે આપણા પોલીસ સ્ટેશનમાં આવનાર માણસ હાશ થવાને બદલે ફફડાટ થવા લાગે છે, આવી સ્થિતિ માટે તુ એકલો જવાબદાર નથી, કારણ તારા સિનિયર પ્રજા સાથે તો ઠીક પણ તારી સાથે પણ સારો વ્યવહાર કરતા નથી તારી કરતા નાની ઉમંરના સિનિયર પણ તને તમે કહેવાને બદલે તારી સાથે તુકારે વાત કરે છે તેમના તુકારામાં પોતાનાપણુ નથી પણ તેમનો તુકારામાં અધિકાર છે તે મોટા અધિકારી અને તુ નાનો અધિકારી એટલે તને તુકારે બોલાવે છે.
આમ શિક્ષણ વધુ હોવા છતાં માણસ તરીકેની સમજના અભાવના આ પ્રશ્નો છે, આ સ્થિતિમાં વર્ષો સુધી કામ કર્યા પછી તને લાગ્યુ કે તારી કોઈ કદર કરતુ નથી, તને કોઈ માન આપતુ નથી, કોઈને તારી પડી નથી, આ બધી બાબતોની નિરાશાએ તને રૂક્ષ બનાવી દિધો, તારા સ્વભાવમાં બરછટતા આવી ગઈ, પારકા સાથે તો ઠીક પણ પોતાના લોકો સાથે પણ તેવો જ વ્યવહાર કરવા લાગ્યો, આ બધી તારી મર્યાદાઓ છતાં તુ અમારો છે તેની અમને ત્યારે પણ ખબર હતી, અને આજે પણ છે, અમને ખબર છે કે રાત્રે અમે નિરાંતે અમારા પરિવાર સાથે સુઈ જઈએ છીએ કારણ તુ અમારૂ ધ્યાન રાખવા તારા પરિવારને છોડી રાત્રે પોલીસની વાનમાં અમારી સલામતી માટે ફરતો હોય છે, અમે દિવાળીમાં ફટાકડા ફોડતા હોઈએ ત્યારે તુ તારા બાળકોને પત્ની પાસે મુકી અમારા માટે દિવાળીના બજારમાં સલામતીની ચીંતા કરતો ઉભો હોય છે, અમે ઉત્તરાયણમાં ધાબા ઉપર પતંગ ચઢાવતા હોઈએ ત્યારે તુ ચાર રસ્તે બેઠો હોય છે. તે પોલીસ થયા પછી એક પણ તહેવાર તારા પરિવાર સાથે ઉજવ્યો નથી, તે અને તારા પરિવારને આ જ જીંદગીની નસીબની બલિહારી માની લીધી છે. આમ તારી અનેક સારી બાબતો પણ છે જે અમને સલામતીનો અહેસાસ કરાવે છે, છતાં તુ પોલીસ છે એટલે તારે તો સારૂ કામ કરવાનું જ છે તેવુ માની અમે તને કયારેય થેંકયુ કહેતા નથી, પણ જો તારાથી નાની અમથી ભુલ થાય તો અમે ગાઈ વગાડી તેનો ઠંઠેરો પીટઈએ છીએ, છતાં તને આજે થેંકયુ કહેવાનો સમય આવ્યો છે જે અમારે ચુકવો જોઈએ નહીં, રાજ્ય અને દેશમાં સરકારના નવા કાયદાઓ મુજબ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે હેલ્મેટની હાડમારી લોકો ભોગવી રહ્યા છે પરંતુ તમામ બાબતો વચ્ચે અગાઉ સિહોર પોલીસમાં નોકરી કરી ચૂકેલા પોલીસ અધિકારી અને હાલ બોટાદના બરવાળા પોલીસમાં ફરજ બજાવતા શક્તિસિંહ ઝાલા પોતાના વિસ્તારોમાં પસાર થતા લોકોને મસમોટા દંડ ફટકારવાના બદલામાં લોકોને આર્થિક સહયોગથી વાહન ચાલકોને હેલ્મેટ આપીને માનવતા જોવા મળી છે તને ખબર છે અમે જેમને કાયમ ભાંડીએ છીએ તે ખાખી કપડામાં રહેલો માણસ જયારે સમગ્ર દેશ અને રાજ્યના પ્રચંડ જેનો વિરોધ થઈ રહ્યો છે લોકોમાં આક્રોશ જોવા મળે છે ત્યારે ગઈકાલે સોશ્યલ મીડિયા આ પ્રકારની તસવીરો અને દ્રશ્ય જોયુ ત્યારે મારી આંખોમાં હર્ષના આંસુ હતું, તે જે કર્યુ તે કાબીલેદાદ છે પણ આંખમાં હર્ષના આંસુ એટલા માટે હતા કે તારી અંદરનો માણસ હજી જીવે છે, જેને બીજાના જીવની ચીંતા છે , તને સલામ કરવાનું મન થાય છે. ત્યારે બરવાળાના પોલીસ અધિકારી શક્તિસિંહ સિંહ ઝાલા સાથે બોટાદના ડીવાયએસપી નકુમ કે પછી આઈજી અશોકકુમાર યાદવ આ બધા ઉત્તમ માણસ હોવાના પ્રતિક છે, જેમનો પોલીસના નાતે જ નહીં પણ..એક માણસ હોવાને નાતે માણસ ઉપર હજી પણ ભરોસો કરી શકાય તેવી આશાને જીવંત રાખવાનું કામ કર્યુ છે પોલીસને ફરી એક વખત થેંકયુ કહીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી અંદર રહેલી સારપને કાયમ આમ જીવંત રાખે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here