સિહોરના વડલા ચોકથી ભીલવાડા સુધીમાં બનેલા રોડને લઈ છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટના માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવી ન શકાય અને કોઈ એક વ્યક્તિ માથે દોષનો ટોપલો ઢોળી દેવો પણ વ્યાજબી નથી કોંગ્રેસ તો આરોપ અને આક્ષેપો કરે કારણ કે તેમને પણ પ્રજાની વચ્ચે રહેવાનું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ હું ચોકીદાર છુ તેવુ કહે અને તેના પગલે ભાજપના તમામ નેતાઓ પોતે ચોકીદાર હોવાનો દાવો કરે ત્યારે વિક્રમભાઈ તમારી વિશેષ જવાબદારી થઈ જાય છે. તમારા જેવા ચોકીદાર હોય છતાં પ્રજાની તીજોરી લુંટવા ભષ્ટાચારીઓ કોઈ કસર છોડે નહીં તે ગળે ઉતરતી અમારે ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ નીસ્બત નથી. અમે તો પ્રજા છીએ અને તમે શહેરના શાસક છો અમે તમારા ભરોસે છીએ, શહેરનો દરેક નાગરિક શાંતિથી જીવે, રોજી કમાય અને તેને કોઈ પરેશાન કરે નહીં તે નજર રાખવાનું તમારૂ કામ છે અને પ્રજાની તમારી પાસે આટલી જ અપેક્ષા છે. તમે પોતે પણ જાણો છો સિહોરની પચાસ ટકા થી વધુ પ્રજાએ કયારેય શહેરનું નગરપાલિકા જોયુ નથી કારણ તેમની પાસે નગરપાલિકામાં કામ માટે આવવુ પડે તેવા કોઈ કામ હોતા નથી.

honest-vikrambhai-nakum-should-make-corrupt-people-afraid

એક સામાન્ય માણસ શહેરમાં સારી રીતે જીવે અને તેના પ્રશ્નનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઈ જાય એટલી જ અપેક્ષા હોય છે પણ વિક્રમભાઈ તેવુ થઈ રહ્યુ નથી. તમારી પ્રજા ચારે તરફથી ઘેરાઈ ગઈ છે, તમારું મોટાભાગનું તંત્ર સાંભળતુ નથી રોડ રસ્તા ગટર પાણી કચરા સહિતની બાબતોમાં પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. એક તરફ બે ટંકનો રોટલો રળવો કપરો થઈ રહ્યો છે બીજી તરફ સાંજ માટે બચાવી રાખેલો રોટલો પણ ભષ્ટાચારીઓ ચરી જાય છે. તમે પ્રામાણિક હોવુ એટલું પુરતુ નથી પણ ભષ્ટાચારીઓને પણ તમારો ડર લાગે એટલુ જ જરૂરી છે અને હાલ ભષ્ટાચારીઓ બીન્દાસ બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ભષ્ટાચારી કયાં પક્ષનો છે તે મહત્વનું નથી પણ હેલ્મટ નહીં પહેરનાર સામાન્ય માણસને પોલીસનો જેટલો ડર લાગે છે તેવો જ ડર ભષ્ટાચારીને પણ લાગવો જોઈએ પણ કમનસીબી છે કે એકસોની ચોરી કરનાર દંડાઈ રહ્યો છે અને હજારો લાખ્ખોની ચોરી કરનારનો વાળ વાંકો થતો નથી. રોજ અખબારોમા વાંચી તમારી અને અમારી બન્નેની ચ્હા ખરાબ થાય છે પણ હવે તમારી અને અમારી ચાની સાથે સવાર પણ સારી થાય તેવી વ્યવસ્થા ગોઠવો, તમને પણ ખબર કોઈ શાસક કાયમી હોતો નથી, પણ ઈતિહાસ સારા શાસકોનું નામ અને કામ ભુસવા દેતો નથી અને નક્કામા શાસકને વર્તમાન પણ યાદ કરતો નથી વિક્રમભાઈ તમારે નક્કી કરવાનું છે તમારે કયાં શાસકની યાદીમાં તમારૂ નામ મુકવાનું છે. સમય તમને કહે કે મોડુ થઈ ગયુ તે પહેલા તમને શહેર દ્વારા તમને સોંપવામાં આવેલી સુકાન ઉપર તમારી પક્કડ મજબુત કરો કારણ શાસન તો તોફાની ઘોડા જેવુ હોય છે તેનું ઉપર કાબુ મેળવી શકે તેવા અશ્વારને તે સવારી કરવાનો અધિકાર આપે છે. તમે જ નક્કી કરો હવે તમારા નગરપાલિકાનું તંત્ર કે શહેરમાં ચાલતા વિકાસના કામોમાં કોન્ટ્રાકટરો ભષ્ટાચાર કરે નહીં તેવી વ્યવસ્થા તમે ઉભી કરશો, અમે શાંતિથી સુઈ શકીએ અને તમે રાત દિવસ જાગતા રહો તો એક નવી સવાર શહેર માટે ઉગશે.

બસ આટલુ જ
– શંખનાદ કાર્યાલય