રાજ્યના અગાઉના સંવેદશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યના ગુંડાઓને નસીયત કરવા માટે કડક કાયદાની જાહેરાત કરી હતી પરંતુ ગુંડાઓ રાજ્યના જે લોકોને પરેશાન કરે છે તેના કરતા વધુ ગુજરાતના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓએ છ કરોડની જનતાને બાનમાં લીધી છે. જ્યારે આપણે ગુજરાત મોડલની વાત કરતા હોઈએ ત્યારે દરેક ચોમાસા પછી ગુજરાતના રસ્તાઓની હાલત બિહાર કરતાં પણ બદતર થઈ જાય છે. તો પૂર્ણેશભાઈ મોદી આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર્સ અને આ કામોનું નિરિક્ષણ કરનારા અધિકારીઓ સહિતનાઓ સામે પાસા જેવા કાયદાનું અથવા નવા કોઈ કાયદા ઘડી તેમને દંડવાનું શરૂ કરવું જોઈએ તો જ આ કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓમાં સુધારો આવશે. ગુજરાત સરકાર દર વર્ષે ગુજરાતના હાઈવે પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.
ગુજરાત સરકારની દાનતમાં કોઈ ખોટ નથી, પરંતુ માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને કારણે ચોક્કસ ધોરણોની અવગણના કરી હલકી કક્ષાના રોડ બનાવવામાં આવે છે. રોડ બને ત્યારે તેવો દાવો કરાય છે કે, એરપોર્ટના રન વે જેટલી કિંમતના રસ્તા તૈયાર થયા છે, પણ એક જ ચોમાસુ પસાર થતાં બધા દાવાઓનું ભોપાળું નિકળી જાય છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પડી જાય છે. સિહોરના વડલાચોક થી ભીલવાડા સુધીમાં લાખ્ખોના ખર્ચે પાંચ કે છ માસ દરમિયાન બે વખત બનેલા આરસીસી રોડના પોપડા નીકળવા લાગ્યા છે સિહોર જ નહીં ગુજરાતના અન્ય શહેરો તથા જિલ્લાઓની તો કલ્પના જ કરવી રહી.
સરકારી તિજૌરીને હજારો કરોડનું નુકસાન કરનાર આ કોન્ટ્રાક્ટર અને કામનું નિરિક્ષણ કરનાર માગ્ર મકાન વિભાગના ઈજનેરો, અધિકારીઓની જાણે કોઈ જવાબદારી જ નથી તેવું પ્રસ્થાપિત થાય છે. ટેન્ડર કરતાં ઓછા ભાવે રકમ ભરી ટેન્ડર લેવાય છે. કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાના માલસામાન અને ડામર વાપરે છે. અધિકારીઓના અને ઈજનેરોના ખિસ્સા ગરમ થાય છે અને પ્રત્યેક વાહન ચાલક જે રોડ વેરો ભરે છે તેની પરેશાનીનો પાર નથી અને તે જ્યારે રસ્તા પર નિકળે ત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. જ્યાં સુધી ગુજરાત સરકાર આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ માટે કડક કાયદાઓ અને સજાની જોગવાઈ નહીં કરે ત્યાં સુધી પ્રજાને સહન કરવા સિવાય કોઈ આરો નથી.