ભાવનગર પાસે દરિયા વચ્ચે અલૌકિક જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ

ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાવનગરથી 23 કિમી દૂર આવેલ કોળિયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ ભાવિકો દરિયાનું પવિત્ર સ્નાન કરી પુણ્ય કમાય છે. પાંડવો અહીં કૌરવો સામેના મહાભારતના યુદ્ધ બાદ પાપમાંથી મુક્ત થયા હોવાથી આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે. જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવની સ્થાપના અંગેની કથા શું છે- આ શિવલિંગની સ્થાપના અંગે લોકવાયકા જોઇએ તો કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો કૌરવ સહિત અનેક મોતને ભેટતા પાંચ પાંડવોને થયું કે આપણા માથે કલંક ચડ્યું છે. આથી તે દૂર કરવાનો ઉપાય પૂછવા તેઓ દુર્વાસા ઋષિ પાસે ગયા. આથી તેમણે ઉપાય જણાવ્યો કે, તમો હાથમાં કાળી ધજા રાખી દરિયાને કાંઠે કાંઠે ચાલતા જાવ. એક કાંઠે એવી પવિત્ર ધરતી આવશે કે જ્યાં નહાવાથી તમારી ધજા કાળીમાંથી ધોળી થઇ જાય ત્યારે માનજો કે તમારા માથેથી કલંક ટળી ગયું. પાંડવોએ આથી દુર્વાસા ઋષિને પૂછ્યું કે આ જગ્યા અમને મળશે ક્યાં? ત્યારે દુર્વાસા ઋષિ કહે કે બાર વર્ષે એક વાર ધ્રુવ છઠ આવે ત્યારે ગંગા-જમનાનો પ્રવાહ દરિયામાં ભળે છે. અને તેમાંથી એક મોજું છૂટું પડે છે. તે મોજામાં સ્નાન કરવાથી તમારા માથેથી કલંક ઊતરી જશે. છતાં તમે સહદેવને પૂછશો તે તમને જણાવશે. પાંચેય પાંડવો કાળી ધજા લઇ દરિયાકાંઠે ચાલતા ચાલતા અનેક જગ્યાએ ફર્યા. રસ્તામાં ગોહિલવાડની ધરતી પર આવી પહોંચી તેમાં મીઠી વીરડી નામનું ગામ આવ્યું. પાંચેય પાંડવો અત્રે રોકાયા. આ ગામમાં તમે આજે પણ જાવ તો ભીમના ઢોલિયાના પાયા પડેલા જોવા મળશે. હજુ પણ લોકો તેનાં દર્શન માટે જાય છે. પાંડવો ગોહિલવાડમાં આવ્યા હોવાનો આ પુરાવો છે. બાર વર્ષ પછી ફરી ધ્રુવ છઠનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે સમુદ્ર જ્યાં ઘૂઘવાટા કરતો હતો તે દરિયામાં પાંડવોએ સ્નાન કરી ધજા સામે જોયું તો તે કાળીમાંથી ધોળી થઇ ગઇ હતી. આથી પાંડવો પરથી કલંક ઊતરી ગયું. ભોળાનાથે પાંડવોને દર્શન આપ્યાં. આથી પાંડવોએ ભોળાનાથને વિનંતી કરી કે, પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. આથી સદાશિવે પાંચેય પાંડવોને કહ્યું કે મારું તમે રેતીથી શિવલિંગ બનાવો. આ પવિત્ર જગ્યા પરથી તમારું કલંક નાબૂદ થયું હોવાથી તે નિષ્કલંક તરીકે ઓળખાશે. આ જ્યોતિર્લિંગમાં મારો વાસ રહેશે. રાજવી પરિવાર દ્વારા ધ્વજારોહણ: નિષ્કલંક મહાદેવ મંદિરનું પૌરાણિક મહત્ત્વ છે. નિષ્કલંક શબ્દનો અપભ્રંશ થવાથી ઘણા નકળંગ મહાદેવ પણ કહે છે. પાંડવોએ શ્રાવણની અમાસે આ શિવલિંગની સ્થાપના કરી હોવાની માન્યતા છે. આથી જ વર્ષો પહેલાં આ દિવસે ભાવનગરના રાજવી મંદિર પર જઇને ધ્વજારોહણ કરે ત્યારબાદ જ પ્રજાજનો મહાદેવનાં દર્શન કરી શકતા. આજે પણ રાજવી પરિવાર દ્વારા અહીં ધ્વજારોહણ કરવાની પરંપરા જળવાઇ રહી છે. દરિયામાં ભરતીના કારણે મોટા ભાગે સવારે નવથી બાર વાગ્યા દરમિયાન જ આ શિવલિંગનાં દર્શન કરી શકાય છે.