શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ. પૂ. સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામ દ્વારા ૧,૦૨,૫૬૪ પદ્યોનો આધ્યાત્મિક હસ્તલિખિત ગ્રંથરાજ શ્રીહરિચરિત્રામૃતસાગર ટાઇટેનિયમ ધાતુમાં કંડારાયો.

શ્રીસ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર રચાયેલ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથ એ સંપ્રદાયનો મોટામાં મોટો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સંત સદ્‌ગુરુ શ્રીઆધારાનંદસ્વામીએ આ મહાકાય ગ્રંથની રચના કરી છે. આ હસ્તલિખિત ગ્રંથની ઊંચાઈ ૪ ફૂટ અને તેનું કુલ વજન ૩૩ કિલો છે. આ મહાકાય ગ્રંથમાં ૧,૦૨,૫૬૪ દોહા-ચોપાઈ-સોરઠા છે. આવા ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન હસ્તપ્રત ગ્રંથનો ડીઝાસ્ટરમાં પણ નાશ ન થાય તેવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું કાર્ય શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરાના સંત પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામે કર્યું છે. દાવાનળ કે ભૂકંપમાં પણ ક્યારેય નાશ ન પામે એવો ચિરંજીવ કરવા માટે આ ગ્રંથ ટાઇટેનિયમની પ્લેટ ઉપર કંડારવામાં આવ્યો છે.

તેમજ સ્વામીજીએ આ ટાઇટેનિમ ગ્રંથની પ્રથમ કોપી તૈયાર કરી સંપ્રદાયની માતૃસંસ્થા વડતાલધામને અર્પણ કરી સમગ્ર ભારતીય આધ્યાત્મિક સાહિત્યની ગરીમા વધારનાર ઉદાત્તકાર્ય કર્યું છે. જેનાથી સંપ્રદાયના તેમજ દેશભરના લાખો લોકો ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, વિશ્વના ઇતિહાસમાં આટલા મોટા કોઈ આધ્યાત્મિક ગ્રંથને આ પ્રકારે ટાઇટેનિયમ ધાતુપત્રમાં કંડારવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. આનાથી આવા અનેકવિધ ભારતીય આધ્યાત્મિક જ્ઞાનના સંસ્કૃતિ સંરક્ષક સદ્‌ગ્રંથોને જાળવવાની એક અનુપમ પ્રેરણા પ્રાપ્ત થાય છે.

પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામને આ ગ્રંથના કાર્ય બદલ ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ અને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’ તરફથી લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપ્ટ એન્ગ્રેવ્ડ ઓન ટાઇટેનિયમ શીટ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.ભારતીય સંસ્કૃતિના પુરાતન ગ્રંથને આજની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચિરકાળ સુધી સાચવી આવનારી ભાવિ પેઢીઓ માટેનું આ અભૂતપૂર્વ કાર્ય પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામે કર્યું છે. જે  ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિને સાચવવા માટેનું એક ગૌરવવંતુ ઐતિહાસિક કાર્ય છે.

(ટાઇટેનિયમ ધાતુની વિશેષતા)

આ ગ્રંથ આજથી ૧૬૦ વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા આ પેપરને ઉધઈ તથા ફુગને લઈને ખવાઈ જવાનો ભય હતો. તેથી દરેક પેજને કોમ્પ્યુટરમાં સ્કેન કરવામાં આવ્યા. સ્કેનકોપી સર્વર કે કોમ્પ્યુટર હાર્ડડ્રાઇવમાં સ્ટોર કરી શકાય પરંતુ તે પણ ગમે ત્યારે નાશ થવાનો ભય તો હતો જ. તેથી પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામને એવો વિચાર આવ્યો કે, ‘આ ગ્રંથને ટાઇટેનિયમની શીટ ઉપર કંડારી લઈએ તો યુગો સુધી સાચવી શકાય.’

ટાઇટેનિયમ જ કેમ..? આ ગ્રંથરાજને ટાઇટેનિયમ ધાતુ પત્રોમાં કોતરવાનું મુખ્ય કારણ એ છે કે તેને બહુ લાંબાકાળ સુધી કોઈ રીતની ક્ષતિ ન પહોંચી શકે. કાગળની જેમ જેને જંતુ આદિનો ભય ન રહે. લોઢા જેવા ધાતુની જેમ તેને કાટ ન લાગવા પામે. અતિ ઊંચા તાપમાનમાં પણ સરળતાથી ઓગળે નહિ. આવી અનેક ખૂબીઓ ધરાવતી ધાતુ એટલે ટાઇટેનિયમ….! આવર્ત કોષ્ટકમાં ટાઇટેનિયમનું સ્થાન ચોથા ગ્રૂપમાં સ્કેન્ડિયમધાતુની બાજુમાં છે.

વળી, દરેક ધાતુ અમુક ગરમી ઉપર ઓગળે છે અને એથી વધુ ગરમ કરીએ તો એ ઓગળેલ ધાતુ અમુક ટેમ્પરેચર ઉપર ઉકળવા માંડે છે. પૃથ્વીમાં સહુથી વધુ ગરમી ધરાવતી વસ્તુ એટલે લાવારસ ગણાય છે. લાવારસ ચાર પ્રકારના હોય છે. તેનું તાપમાન અનુક્રમે ૯૦૦0C, ૧૦૦૦0C, ૧૩૦૦0C અને ૧૫૦૦0C હોય છે. અને ક્યારેક લાવારસનું મહત્તમ તાપમાન ૧૬૦૦0C હોય છે. જ્યારે ટાઇટેનિયમ ધાતુનો મેલ્ટીંગ પોઇન્ટ ૧૬૭૦0C છે અને બોયલિંગ પોઈંટ ૩૨૮૭0 C છે. તેથી જ લાવારસમાં પણ ટાઇટેનિયમ ધાતુને કાંઈ જ ક્ષતિ થતી નથી.

ટાઇટેનિયમની વજન ખમવાની ક્ષમતા ઘણી વધુ છે. ટાઇટેનિયમ ધાતુ ઉપર ક્ષાર, સમુદ્રનું ખારૂં પાણી કે ક્લોરીનની અસર નથી થતી. કહેતાં ટાઇટેનિયમને કાટ લાગતો નથી. આવી અનેક ખૂબીઓ હોવાને કારણે જ આ ધાતુ ખૂબ કિંમતી છે. એક રીતે જોતા આ ધાતુ પ્રલયકાળના અગ્નિ સિવાય કોઈ રીતે નાશ થાય તેમ નથી તેથી આ ટાઇટેનિયમ ધાતુને ગ્રંથ કંડારવા માટે પસંદ કરવામાં આવી છે.

આ ગ્રંથરાજને કેવી પ્રોસેસથી આ ધાતુના પત્રોમાં કંડારવામાં આવ્યો ? તો સૌ પ્રથમ મૂળ હસ્તલિખિત ગ્રંથને સ્કેન કરી તેની ડિજીટલ ઇમેજ બનાવવામાં આવે છે. સ્કેન કરેલાં પાનાંઓને સોફ્ટવેર દ્વારા બ્લેક એન્ડ વ્હાઈટ કરાય છે. પછી તેની સફાઈ પ્રક્રિયા કરવામાં આવે છે. જેથી કોઈ ક્ષતિને સ્થાન ન રહે. પછી પ્રૂફ કરેલા પાનાઓની સોફ્ટવેર દ્વારા ડી.એફ.એક્સ.ફાઇલ બનાવવામાં આવે છે. આટલી પ્રોસેસ બાદ ગ્રંથની ટાઇટેનિયમની પ્લેટો ઉપર લેસર દ્વારા કોતરણી શરૂ કરવામાં આવે છે.

હસ્તલિખિત શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથને ૧૨x ૬ ઇંચની સાઈઝમાં ટાઈટેનિયમ ધાતુની શીટમાં કંડારવામાં આવ્યો છે. પ્રત્યેક શીટનું અંદાજીત વજન ૧૩૦ ગ્રામ છે અને તેની જાડાઈ ૦.૬૫ એમ.એમ. છે. જેના કુલ પાના ૬૨૦૨ અને પેજ ૧૨,૪૦૪ છે. આ રીતે ટાઇટેનિયમ ધાતુમાં કંડારાયેલ આ ગ્રંથરાજની કુલ ૩૪ પેટીઓ તૈયાર થઈ છે. જેનું વજન ૧ ટન ઉપરાંત કહેતા ૧૦૪૭ કિલો થયું છે. ભવિષ્યના લોકો લાખો વર્ષો બાદ પણ આ ગ્રંથને વાંચી શકે એવા હેતુથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની આલ્ફાબેટ શીટ બનાવીને પેટીમાં રાખવામાં આવી છે.

આ શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમાં કંડારવા માટે સાડા ત્રણ વર્ષનો સમય લાગેલ છે. આ સંપૂર્ણ કાર્ય પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ દ્વારા શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા, ગુજરાત (ભારત) માં કરવામાં આવ્યું છે

(શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથની સંક્ષિપ્ત માહિતી)

ગ્રંથનામુખ્ય નાયક શ્રીસ્વામિનારાયણ ભગવાન
ગ્રંથના લેખક સદ્‌ગુરુ શ્રીઆધારાનંદ સ્વામી
ગ્રંથ લેખન સ્થળ શ્રીસ્વામિનારાયણ મંદિર, વડતાલધામ
ગ્રંથ રચના સમય ૧૩ વર્ષ, પ માસ અને ૧૪ દિવસ (વિ.સં.૧૯૧૪ થી ૧૯૨૮) (ઈ.સ.૧૮૫૮ થી ૧૮૭૨)
ગ્રંથની વિગત શ્રીસ્વામિનારાયણ ભગવાનનું દૈનિક વિચરણ તેમજ તે સમયના ઉત્સવ, સમૈયા, ઉપદેશ, સત્સંગની દૃઢતા, નિયમપાલન, સામાજીક પરિસ્થિતિનું વર્ણન, જે તે કાળનું લોકજીવન તેમજ રાજકીય પરિસ્થિતિ તમામને આવરી લેતો ગ્રંથ.
ગ્રંથના પૂર ૨૯
ગ્રંથના તરંગ ૨૪૦૯
ગ્રંથના દોહા-ચોપાઈઓ ૧,૦૨,૫૬૪
પેજની સંખ્યા ૧૨૪૦૪
૧૦ મૂળ ગ્રંથની ઉંચાઈ ૪ ફૂટ
૧૧ મૂળગ્રંથનું વજન ૩૩.૧૫૦ કિલોગ્રામ

ટાઇટેનિયમ ગ્રંથની માહિતી

ટાઇટેનિયમ ગ્રંથનું કુલ વજન ૧,૦૪૭ કિલો
ટાઇટેનિયમ પેટીની સંખ્યા ૩૪
ટાઇટેનિયમ પ્લેટની સંખ્યા ૬,૨૦૨
ટાઇટેનિયમ પેજની સંખ્યા ૧૨૪૦૪
ટાઇટેનિયમ પેજની સાઇઝ ૬ x ૧૨ ઇંચ
ટાઇટેનિયમ એક પ્લેટનું અંદાજીત વજન ૧૩૦ ગ્રામ
ટાઇટેનિયમ ધાતુની ક્ષમતા મેલ્ટીંગ પોઇન્ટ ૧૬૭૦ અંશ સેલ્સીયસ
આલ્ફાબેટ ચાર્ટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
ટાઇટેનિયમ ગ્રંથ બનાવવાનો સમય સાડા ત્રણ વર્ષ
૧૦ ટાઇટેનિયમ ગ્રંથ બનાવવાનું સ્થળ શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા, ગુજરાત-ભારત
૧૧ ટાઇટેનિયમ શીટમાં ગ્રંથ કંડારનાર પ.પૂ.સદ્‌ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ
૧૨ ગ્રંથ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો લેસરમશીન, કોમ્પ્યુટર, ચીલર મશીન, કોમ્પ્રેસર, રૂમ એરડ્રાયર, ફયુમ એકસ્ટ્રેક્ટર, ક્રોમ્પ્રેસ એરડ્રાયર વગેરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here