અંક ૧૭ : સાર્જન્ટ મેજર ગાંધી
આફ્રિકાનાં જોહાનીસ્બર્ગમાં હજુ મહાત્મા ગાંધી માંડ થાળે પડ્યા હતા ત્યાં તેમને નાતાલમાં શરુ થયેલા ઝૂલું બળવાનાં સમાચાર મળ્યા. વર્ષ ૧૯૦૬માં બ્રિટીશ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેક્સના વિરોધમાં ઝુલુ લોકોએ કર વસૂલતા બે બ્રિટીશ અધિકારીઓની હત્યા કરી હતી. જેથી બ્રિટિશ સરકારે ઝુલુ લોકો સામે યુદ્ધની ઘોષણા કરી. ઘણા ઝુલુઓને લટકાવી ગોળી મારી દેવાઈ અને ઘણાને ગંભીર રીતે ચાબુક મારવામાં આવ્યા. ઝૂલું લોકો દ્વારા કરવામાં આવેલા આ બળવા દરમિયાન લગભગ ચાર હજાર ઝુલુઓ માર્યા ગયા હતા. ગાંધીજીએ પોતાનો ઘણો સમય નાતાલમાં વિતાવ્યો હતો અને નાતાલ સાથે તેમનો લગાવ હતો. તેથી ગાંધીજીએ ગવર્નરને પત્ર લખ્યો કે “જરૂર હોય તો જખ્મીઓની સારવાર માટે હિન્દીઓની ટોળી સાથે સેવા કરવા તૈયાર છું”. ગાંધીજીની સેવાભાવની પ્રવૃત્તિ વિરોધીઓ માટે પણ તેટલી જ સહજ હતી જેટલી તેમના સહયોગી માટેની હોય. તેમને બ્રિટીશ સરકારનાં નીતિઓ-અનીતીઓ વિષે સભાનતા હોવા છતાં માનવતાને કેન્દ્ર સ્થાને રાખીને બળવામાં ઘાયલ થયેલાને સારવાર હેતુ પોતાની કટિબદ્ધતા દર્શાવી.
ગવર્નરનો હકારાત્મક ઉતર પોતાની આશા કરતા વધુ જલ્દી આવી ગયો. તેમ છતાં ગાંધીજીએ પોતાની તૈયારી કરી જ રાખી હતી. પોતાનું જોહાનીસ્બર્ગની ઘર ખાલી કરી કસ્તુરબાને ફીનીક્સ આશ્રમમાં અને મી.પોલાકને એક નાના ઘરમાં સગવડ કરી આપી. પોતે સેવાયજ્ઞમાં જોડાવા નીકળી પડ્યા. ડરબનમાં ગાંધીજીએ ૨૪ માણસોની ટુકડી તૈયાર કરી જેમાં ચાર ગુજરાતી, એક પઠાણ અને બાકીના મદ્રાસનાં ગીરમિટમુક્ત હિંદીઓ હતા. સેવા કરવા આવેલા સ્વયંસેવકની એક અલાયદી ટુકડી હતી તેમની સુવિધા માટે તેમને હોદ્દાઓ આપવામાં આવતા હતા. ગાંધીજીએ ઔષધખાતાનાં મુખ્ય અધિકારીએ “સાર્જન્ટ મેજર”નો હોદ્દો આપવામાં આવ્યો. સાથોસાથ તેમને તેમની ટુકડીમાંથી ત્રણ “સાર્જન્ટ” અને એક વ્યક્તિને “કોરપોરલ”નાં હોદ્દા આપવાની પરવાનગી આપવામાં આવી. ગાંધીજી દ્વારા ગઠિત ટુકડીને સતત છ અઠવાડિયા સુધી ઘાયલોની સેવા કરવાની હતી.
ગાંધીજી બ્રિટીશ સરકારનાં ઘાયલો સૈનિકોની સેવા માટે ગયા હતા પરતું તેમનું હૃદય તો ઝૂલું લોકો તરફ હતું. બળવાનાં સ્થળ પાસે આવેલા મથકમાં મુખ્યત્વે ઝૂલું ઘાયલ લોકોની સારવાર કરવાનું ગાંધીજી અને તેમની ટુકડીને ભાગે આવ્યું. જેથી ત્યાંના ગોરાઓ તેમનાથી ચીડાયેલા હતા. ગોરાઓ દ્વારા આ ઝૂલું ઘાયલોની કોઈ મદદ કે સેવા કરવામાં આવતી ન હતી. મથકનાં દાકતરે ગાંધીજીઓ આભાર માની તેમને વધાવી લેતા કહ્યું કે ગોરાઓ કોઈ મદદે આવતા નથી હું એકલો કેટલાને પોહચું? તમે લોકો આવ્યાને તે તો હું આ નિર્દોષ લોકો ઉપર ઈશ્વરની કૃપા થઇ એમ જ સમજુ છું.ઘણા વખત મથકની બહાર જઈને ઘાયલોને ડોળીમાં મુકીને પાછા છાવણી સુધી લાવીને સારવાર કરવી પડતી હતી જે માટે એક જ દિવસમાં ચાલીસ માઈલ જેટલું ચાલવું પાડતું હતું. ઝૂલું બળવાએ ગાંધીજીને ઘણું બધું શીખવ્યું. તેમને આ બળવાને બોઅરનાં યુદ્ધ કરતા પણ વધુ ભયંકર ગણાવી હતી.
પોતાની બહુ ઓછી વસ્તી ધરવાતા અને પહાડોમાં અને ખીણોમાં પોતાનું જીવન ગુજારતા ભલા અને સાદા ઝૂલું લોકો પાસે પોતાના કુબાઓ સિવાય અન્ય કશું ન હતું. ગાંધીજી પોતાના બાકી બધી વાતોને અવગણીને માત્ર ઘાયલ લોકોની સેવાને કેન્દ્રમાં રાખીને સેવાયજ્ઞમાં જોડાયા હતા પરતું ત્યાં બ્રિટીશ સરકાર દ્વારા કરવામાં આવેલા જુલ્મથી વ્યથિત ગાંધીજીએ પોતાના સાપ્તાહિકમાં દરેક ભારતીયોને સવાલ પુછાતા લખ્યું હતું કે શું આપણે વોલન્ટરીયર ઇન્ડિયનનું કામ કરવું જોઈએ કે નહિ ?
સ્પાયન કોપના યુદ્ધનાં થોડા સમય પછી ગાંધીજી દ્વારા સ્થપાયેલ ભારતીય એમ્બ્યુલન્સ કોર્પ્સને સ્થગિત કરી દેવામાં આવ્યું પાછળથી ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં તેમના માનવતાવાદી કાર્ય માટે “કૈસર-એ-હિંદ” મેડલ અને ૧૯૦૬માં નવી એમ્બ્યુલ્યુટરી સેવાઓ માટે “ઝુલુ યુદ્ધ ચંદ્રક” આપવામાં આવ્યો હતો પરંતુ આ મેડલ તેમણે સરકારને પરત આપતા જણાવ્યું હતું કે “ સરકાર પ્રત્યે ન તો માન અને ન પ્રેમ હોવાથી ભારતીય પ્રત્યે થતા “ અનૈતિક અને અન્યાયપૂર્ણ કાર્ય” વિરુદ્ધ લડવાનું ચાલુ રાખીશ. બ્રિટીશ રાજમાં ભારતીયોને સામ્રાજ્યના સમાન નાગરિક તરીકે ઓળખવા માટે દબાણ કરવાના સાધન તરીકે ગાંધીએ એંગ્લો-બોઅર યુદ્ધમાં ઘાયલોને મદદ કરી હતી જયારે સેવા અને તબીબી સહાયનાં કાર્યને કેન્દ્રમાં રાખીને નાતાલ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સ ઝૂલું બળવા ઘાયલોની મદદે આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here