અંક ૭ : પત્રકાર ગાંધી
ગાંધીજીની “પત્રકાર” તરીકેની કામગીરી પણ રસપ્રદ છે. ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ જ પાવરધા હતા. પોતાની વાતને લોકોનાં ગળે શીરાની જેમ ઉતરે એ રીતે પીરસતા હતા. તે નિયમિતપણે છાપું વાંચતા હતા અને આ ટેવ તેમણે વિદેશ ગયા પછી પણ જાળવી રાખી. વિદ્યાર્થી કાળથી વાંચન સાથે લખવાની શરૂઆત કરી હતી. એકવીસ વર્ષની ઉમરે એક અગ્રેજી અઠવાડિક “ ધી વેજીટેરીયન”માં શાકાહાર, ખાવાની ટેવો, અને કેટલાક હિંદી તહેવારો અંગેના નવ જેટલા લેખો લખ્યા હતા. ગાંધીજીનાં પત્રકારત્વમાં સનસનાટીવાળા વિષયોને સ્થાન હતું. તેઓ રાષ્ટ્રીય ખામીઓનાં અઠંગ ટીકાકાર હતા. નિસર્ગોપચાર, કોમી એકતા, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા અને સત્ય ઉપર લેખો સહેજ પણ થાક્યા વગર લખતા.
૪ જુન ૧૯૦૩એ ગાંધીજીએ “ ઇન્ડિયન ઓપીનીયન”નું કામ ઉપાડ્યું. તે વખતે ગાંધીજીની ઉમર ચોત્રીસ વર્ષ હતી. દક્ષીણ આફ્રિકામાં સૌથી પહેલું હિંદી છાપખાનું ચાલું કરવાનો શ્રેય “મદનજીત વ્યાવહારિક” ને જાય છે. પરતું તે છાપું પહેલા જ વર્ષથી ખોટમાં રહ્યું હતું. ગાંધીજીનાં જુના અને જાણીતા મુંબઈનાં પત્રકાર મનસુખલાલ હીરાલાલ નઝરને એડિટર બનાવવામાં આવ્યા. ઇન્ડિયન ઓપીનીયનનાં દરેક સાપ્તાહિકમાં ગાંધીજીનો એક લેખ ચોક્કસ છાપતો જેમાં તે ખોરાક ની ટેવો, મહાન સ્ત્રી-પુરુષનાં ચરિત્રોની લેખમાળા જોવા મળે છે. સાથોસાથ આફ્રિકામાં ચાલી રહેલા લડતની વિગતવાર અહેવાલ પણ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કર્યો હતો. છાપાને સારી રીતે ચલાવવા અને લોકો સુધી સાચી વાત પોહચાડવા માટે પોતાનો જીવ રેડી નાખ્યો હતો. સતત દસ વરસ સુધી ગાંધીજીએ આ કામગીરી કરી. વિચારોને ફેલાવવા માટેનું પ્રબળ અને અસરકારક માધ્યમ વર્તમાનપત્રો છે એ વાત ગાંધીજી જાણતા હતા. વર્તમાનપત્ર કે પત્રકારત્વ તેમના માટે પેટીયું રડવા માટેનું સાધન ન હતું તે તો માત્ર સત્યની સેવા, લોક કલ્યાણ-કેળવણી તેમજ દેશ ઉપયોગી બની રહે તે માટે જ હતું. ખોટમાં ચાલતા ઇન્ડિયન ઓપીનીયન”નું કામ પોતાના હાથમાં લીધું ત્યારે માત્ર ચારસો નકલો હતી જે ઉગ્ર લડત સમયે ૩૫૦૦ જેટલી નકલો સાથે ૨૦૦૦૦થી વધું વાચક સુધી પહોચ્યું હતું. વિચારોને રજુ કરવા માટે વધુ જગ્યા મળે એ હેતુથી જાહેરાતો લેવાનું પણ બંધ કર્યું હતું. જાહેરાત કઈ લેવી, કઈ નહિ લેવી અને કોમનાં આગેવાનો વચ્ચે ધર્મસંકટમાં ન પડવું એવું ગાંધીજીનું માનવું હતું.
૪ ઓગસ્ટ ૧૯૬૧માં આર્થીક સંકળામણ અને મોતીલાલજીની તબિયત નાદુરસ્ત રહેવાને કારણે ઇન્ડિયન ઓપીનીયન બંધ કરવામાં આવ્યું. ભારત આવેલા ફીનીક્સ આશ્રમનાં ટ્રસ્ટી મેવા રામગોવિંદએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૦માં આફ્રિકાનાં રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ “ધ ઓપીનીયન” નામથી પુનઃચાલુ કરાયાની વિગતો આપી હતી. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વર્ષ ૧૯૧૯ થી ૧૯૩૧ “યંગ ઇન્ડિયા” નામે સાપ્તાહિક અખબાર ચાલુ કર્યું જે સવિનયકાનુન ભંગ અને બ્રિટીશ સરકાર સામે એકજૂથ થવા માટે ખુબ ઉપયોગી બન્યું. “હિન્દુસ્તાનનાં ખેડૂતો અને મજુરો એ હિંદનાં ખરા ઘડવૈયા છે” તેમ તે લખતા. યંગ ઇન્ડિયામાં લખેલા લેખો બદલ ગાંધીજીને જેલમાં પુરવામાં આવ્યા. બ્રિટીશ સરકારે તેમના લેખો પર બંદી લગાવી ત્યારે તેમણે લખવાનું બંધ કર્યું તેમણે લખેલા લેખોની નકલ કરી પ્રચાર કરાવ્યો. તે જાણતા હતા કે બ્રિટીશ સરકાર છાપાને દબાવી શકશે પણ તેમના સંદેશને કોઈ દબાવી નહિ શકે.
તેઓ ખુબ પત્રોમાં લેખો લખતા. ગાંધીજી પોતે બન્ને હાથે લખી શકતા હતા જેથી ક્યારે જમણા હાથે લખતા થકી જતા ત્યારે તે ડાબા હાથે પણ સારું લખી શકતા હતા. ઘણા લેખો તો તેમને મુસાફરી કરતી વેળાએ સમયના અભાવે ચાલુ ગાડીએ લખ્યા છે જે તેમણે પ્રકાશિત અંકની નીચે નોધ સાથે લખ્યું છે વર્ષ ૧૯૩૩ થી ૧૯૪૮ સુધી “હરીજન” સાપ્તાહિક ચાલુ કરી જેની સાથે હરીજન બંધુ (ગુજરાતી) અને હરીજન સેવક (હિન્દી)માં સમાચાર પત્રો ચાલુ કર્યા હતા જેમાં દેશમાં વ્યાપી રહેલી સામાજિક, આર્થિક મુશ્કેલીઓ અંગેની ચર્ચા કરી. તથા સમાજમાં ફેલાયેલી અસ્પૃશ્યતા અંગે લખતા. હરીજન સાપ્તાહિકમાં ક્યારેય રાજકારણ પણ લેખ પ્રસિદ્ધ નોહતો થયો.
આફ્રિકામાં ભલે ખોટમાં સામાયિક ચલાવ્યા પરતું તેવી નોબત હિન્દુસ્તાનમાં ન આવી, તેમના અંગેજી અને હિન્દી ભાષાનાં સામયિકોનો ફેલાવો ૪૦૦૦૦ નકલ સુધીનો હતો. ગાંધીજીને પ્રથમ વાર હિન્દુસ્તાનમાં જેલમાં પૂર્યા બાદ મળેલ મુક્તિ બાદ અઠવાડિયે એક લેખ લખતા તે હતી તેમની “આત્મકથા”. જે ત્રણ વરસ સુધી ચાલી હતી. ગાંધીજીએ ૧૯૧૯માં “સત્યાગ્રહ” નામનું સરકારી નોધણી કરાવ્યા વગર પણ એક સાપ્તાહિક બહાર પડ્યું હતું. જે રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગમાં બનેલી ઘટનાના વિરોધ કરવા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે એક પાનાની નકલ ધરાવતું હતું અને એક પૈસામાં વેચાતું.
ગાંધીજીએ પોતાના પત્રકારત્વના બોહળા અનુભવ બાદ પત્રકારત્વનીં કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ અંગે લખતા જણાવ્યું હતું કે “છાપાવાળાઓ હાલતા ચાલતા રોગચાળા જેવા બની ગયા છે. લોકો માટે છાપા બાઈબલ, કુરાન, અને ગીતાનું સ્થાન લેવા લાગ્યા છે. એક છાપું એવી આગાહી કરે કે હુલ્લડો થવાની તૈયારીમાં છે અને દિલ્હીમાં દુકાનોમાંથી બધી લાઠીઓ અને છરીઓ ઉપડી ગઈ છે. છાપાવાળાનું કામ તો લોકોને બહાદુર બનતા શીખવવાનું છે તેમનામાં ગભરાટ ફેલાવાવનું નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here