પોલીસ મથકની સામે ધડાધડ ફાયરીંગ કરી કોન્સ્ટેબલને મારી નાખવાના ઈરાદે ગોળીબાર કર્યો હતો, નેસવડ ગામના શખ્સોના કબજામાંથી બે પિસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ અને ગુનામાં વપરાયેલ કાર બરામત કરાય

હરિશ પવાર
મહુવાની ગાંધીબાગ પોલીસ મથકની સામે કારમાં આવેલ નેસવડ ગામના બે શખ્સે ધડાધડ ફાયરિંગ કરતા પોલીસ ચોકીમાંથી પોલીસ કર્મીએ બહાર આવી પડકારતા તેના પરહુમલો કરી એક રાઉન્ડ ફાયર કરી શખ્સો નાસી છુટયા હતા. ઉક્ત બનાવને લઈ મહુવા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન પોલીસે તપાસ હાથ ધરી આજે નેસવડ ગામના બન્ને શખ્સને ઝડપી પાડી તેના કબજામાંથી બે પિસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ અને ગુનામાં વપરાયેલ કાર સહીતનો મુદ્દામાલ બરામત કર્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી સામેના ભાગે ગઈકાલે સવારે મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા રામ જયેશભાઇ ઉર્ફે જપનભાઇ મકવાણા અને તેની સાથે આવેલ શખ્સે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા પોલીસ ચોકીના પીએસઆઈ સહીતના સ્ટાફે દોડી આવી ફાયરીંગ કરતા શખ્સોને પડકારતા રામ મકવાણાએ ચાલુ કારે કોન્સ્ટેબલ ધારેશભાઇ વાઘાભાઇ ગોહિલને જાનથી મારી નાખવાના ઇરાદે એક રાઉન્ડ ફાયર કરી કારમાં ફરાર બન્યા હતા.

બાદ ભાણવડ રોડ ઉપર કારનો અકસ્માત સર્જાતા બન્ને શખ્સ કાર સ્થળ પર છોડી નાસી છુટયા હતા. ઉક્ત બનાવને લઈ ભારે નાસભાગ મચી જવા પામી હતી. અને સમગ્ર મહુવા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવના પગલેએ.એસ.પી. સફીન હસન, ડિવાય.એસ.પી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો મહુવા દોડી ગયો હતો અને ભાણવડ રોડ પરથી કાર કબ્જે લીધી હતી.ઉક્ત બનાવ અનુસંધાને ગાંધીબાગ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ધારેશભાઇ વાઘાભાઇ ગોહિલે મહુવા પોલીસ મથકમાં રામ મકવાણા અને એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ આપતા

પોલીસે આઇપીસી ૩૦૭, ૩૫૩, ૩૪, હથિયારધારો ૨૫(૧)(એ), ૨૭, ૨૯ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન પોલીસે તપાસ હાથ ધરી આજે રવિવારે નેસવડના રામ જપનભાઈ મકવાણા અને લાલજી ઉર્ફે લાલો માધુભાઈ મકવાણા (ઉ.વ. ૨૭)ની ધરપકડ કરી લઈ બન્ને શખ્સ પાસેથી ચાર ફુટેલા કેસીસ, ચાર જીવતા કાર્ટીસ, બે પિસ્તોલ બરામત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.