ઉનાળાના પ્રારંભ સાથે જ ગ્રાહકોની જોવાતી રાહ, સિહોરના માર્ગો પર માટલાઓનું વેચાણ શરૂ

દેવરાજ બુધેલિયા
ઉનાળાની ઋતુમાં માટીમાંથી તૈયાર કરવામાં આવતા માટલામાં ભરવામાં આવતા શીતળ પાણી પીવાની મજા જ ઔર હોય છે. દર વર્ષે મોટા ભાગના લોકો પોતાના ઘરમાં નવો માટલા ખરીદી તેમાંથી પાણી પીતા હોય છે. વિશેષ કરીને ગામડાઓ અને મધ્યમકદના શહેરોમાં ફ્રીજના ઠંડા પાણી ફરતા માટલામાં સંગ્રહીત પાણી પીવાનો જ લોકો વધુ આગ્રહ રાખતા હોય છે. જેના લીધે સિહોરમાં પણ ઉનાળાના પ્રારંભ સાથે જ માટલાની માંગ વાધી જાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી માટલાના વેંચાણને ગ્રહણ લાગ્યુ છે. જેનાથી તેનો વેપાર સાવ પડી ભાંગ્યો છે અને માટલાના વ્યવસાય ઉપર નભતા પરિવારો કફોડી સ્થિતિમાં મુકાયા છે.

બાર મહિનાના રોટલા એક જ સિઝનમાં કમાઈ લેતા અનેક કુંભાર તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને પણ લોકડાઉનનો માર પડયો હતો. કોરોના બે વર્ષ સુધી ચાલતા તેમના ધંધાને પણ બરાબરની અસર પહોંચી અને આર્થિક સ્થિતિને અસર થઈ છે. ગ્રામિણ વિસ્તારોમાં માટીના માટલાઓનું કારીગરો દ્વારા ઉત્પાદન પણ કરવામાં આવે છે અને તૈયાર થયેલા માટલાઓ શહેરો અને ગામડાઓમાં વેચાણ કરવા જતા હોય છે પરંતુ હવે ફ્રીઝ સહિતના આધુનિક સાધનો વધી ગયા હોવાથી તેની સીધી અસર માટલાઓ ઉપર પડી છે. કારીગરો દ્વારા શિયાળાના અંત ભાગાથી માટલાઓ બનાવવાની કામગીરી શરૂ કરાય છે અને ત્યારબાદ ગરમી શરૂ થતા આ માટલાઓ વેચાઈ છે

માટલાનું પાણી પીવાથી પાચનક્રિયા મજબુત થાય છે

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે. માટીના વાસણમાં પાણી કે ખોરાક રાખી તેનો ઉપયોગ કરાતો હોય તો માનવીના શરીરને અનેક પ્રકારના રોગાથી રક્ષણ મળે તેવી સંભાવના છે. માટલાના પાણીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ હોવાથી પાચનક્રિયા મજબુત થાય છે અને રોગપ્રતિકારક શકિતમાં વાધારો થતો હોય છે.