કોરોનાકાળના 2 વર્ષ બાદ યાત્રાના આયોજનથી ભાવિકોમાં હર્ષોલ્લાસ, સિધ્ધવડ ખાતે 100 પાલ ઉભા કરાશે, મેડિકલ અને સિકયુરીટીની ખાસ વ્યવસ્થા કરાશે

બ્રિજેશ ગોસ્વામી
પાલીતાણા સમસ્ત જૈન સમાજમાં પ્રાચીન કાળથી સૌથી વધુ મહત્વના ગણાતા પાંચ શ્રધ્ધેય યાત્રાધામો પૈકીના એક એવા તીર્થનગરી પાલિતાણા ખાતે આગામી તા.૧૬ માર્ચના રોજ ફાગણ સુદ તેરસના પાવનકારી મહાપર્વે છ ગાઉની મહાયાત્રાનુ ભવ્ય આયોજન કરાયેલ છે. શાશ્વત મહાતીર્થ તરીકે પૂજાતા પાલિતાણાના શેત્રુંજય ખાતે આ મેળાના આયોજન સંદર્ભે ભાવનગર શહેર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરના જૈન સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

સમગ્ર જૈન સમાજમાં સર્વાધિક અગત્યતા ધરાવતો આ મેળો આગામી તા.૧૬.૩ ને બુધવારે યોજાશે. તે પૂર્વે તા.૧૫મીએ અંદાજે પાંચેક હજાર યાત્રિકો પણ છ ગાઉની યા ત્રા કરશે. જયારે તા.૧૬મીએ તપાગચ્છ સહિત અનેક સમુદાયોના ભાવીકો છ ગાઉની યાત્રા કરશે. જેમાં ભાવિકોના વિધિવત સંઘપૂજન કરાશે. આ પરંપરા અનુસાર આગામી ૧૬મીએ ફાગણ સુદ તેરસના રોજ સિધ્ધવડ ખાતે કચ્છી સમાજ સહિત વિવિધ શહેરોના સંઘના મળી કુલ ૧૦૦ ભકિતપાલની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા છ ગાઉના માર્ગમાં સાદા અને ઉકાળેલા પાણી, મેડિકલ તેમજ સિકયુરીટીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૈન શાસ્ત્રો અનુસાર શેત્રુંજયની યાત્રા દરમિયાન કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન અસંખ્ય મુનિઓ સાથે ફાગણ સુુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા તેથી પરંપરાગત રીતે દર વર્ષે ફાગણ સુદ તેરસના રોજ છ ગાઉની યાત્રા યોજાય છે જેમાં દેશભરમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ જૈન તથા જૈનેતર ભાવિકો સપરિવાર ઉમટી પડે છે. આ વર્ષે અંદાજે ૬૦ હજારથી વધુ યાત્રિકો આ યાત્રામાં જોડાય તેવો અંદાજ મંડાઈ રહ્યો છે. આ યાત્રાના આયોજનને અનુલક્ષીને પાલિતાણા શહેરની મોટા ભાગની ધર્મશાળાઓ પેક થઈ જવા પામેલ છે.

આ છ ગાઉની યાત્રા માટે ભાવનગર સહિત અન્ય શહેરોમાંથી સંઘ અને વિવિધ સંગઠનો દ્વારા ખાનગી બસની તેમજ એસ.ટી.તંત્ર દ્વારા ખાસ વધારાની પણ બસ સુવિધાઓ ફાળવવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી છ ગાઉની યાત્રા મુલત્વી રખાઈ હતી.બે વર્ષ બાદ કોરોના હળવો થતા આ વર્ષે છ ગાઉની યાત્રાના આયોજનથી જૈન સંઘમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.આ યાત્રાના આયોજનને સફળ બનાવવા માટે પેઢી, સમસ્ત જૈન સંઘ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.