ઉમરાળા પોલીસે બાઈક ચોરી મામલે બે શખ્સોને ચોરીના બાઈક સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી

નિલેશ આહીર
ઉમરાળા ગામે પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે બાઈક ચોરોને બાઈક સાથે ઝડપી પાંચ દિવસ પૂર્વે ટીંબી ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.સમગ્ર બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગ માં હોય એ દરમ્યાન દાતાર ચોકડી પાસેથી એક નંબરપ્લેટ વિનાનાં બાઈક પર બે શખ્સો શંકાસ્પદ હાલતે પસાર થતાં આ શખ્સોને અટકાવી નામ-સરનામાં સાથે તેની પાસે રહેલ બાઈક ની આરસી બૂક લાઈસન્સ વગેરે દસ્તાવેજો તપાસ માટે માંગતા બંને શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં વિપુલ ઠાકરશી મકવાણા ઉ.વ.૩૫ રે.મોટા સુરકા ગામ તા.સિહોર તથા રસિક ઉર્ફે ઘૂઘો વાલજી અડાણીયા ઉ.વ.૩૮ રે.અમરગઢ મૂળ આંબલા ગામ તા.સિહોર વાળા હોવાનું જણાવેલ હતું. આ શખ્સો પાસેથી બાઈક અંગે માલિકીનો કોઈ આધાર-પુરાવો કે સંતોષકારક જવાબ ન આપી શક્તા બંને શખ્સોને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક આજથી પાંચ દિવસ પહેલા ટીંબી ગામે આવેલ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના પાર્કિંગ માથી ચોરી કરી ફેરવતાં હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા ૨૦ હજારની કિંમત નું બાઈક કબ્જે કરી વાહન ચોરી નો ભેદ ઉકેલી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.