પેટાચૂંટણીમાં મુરતિયા પસંદ કરવા કવાયત શરૂ, ગઢડા ઉમરાળા સહિત આઠેય બેઠકો પર નિરીક્ષકોએ સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરી, ઉમેદવારો અંગે અભિપ્રાય લેવાનું શરૂ

શંખનાદ કાર્યાલય
પેટાચૂંટણી જીતવા કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેટાચૂંટણીના મેદાને ઉતારવા મુરતિયાઓને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નિરીક્ષકોએ જે તે બેઠકમાં જઇને સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જોકે,આગામી 8મી જુલાઇ સુધી નિરીક્ષકો ત્રણ ઉમેદવારની પેનલ તૈયાર કરીને પ્રભારી રાજીવ સાતવને રિપોર્ટ સુપરત કરશે આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગઢડા ઉમરાળા સહિતની ૮ બેઠક માટે કોંગ્રેસે બે નિરીક્ષકો નિમ્યાં છે જેઓ જે તે મત વિસ્તારમાં પહોચ્યાં છે અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને સ્થાનિક રાજકીય પરિસ્થિતીનો તોગ મેળવી રહ્યાં છે. કોંગ્રેસે આ વખતે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ છે. સ્થાનિક કક્ષાએ લોકોની વચ્ચે રહીને કામ કરતાં કાર્યકરની પહેલી પસંદગી કરાશે. આ વખતે પક્ષપલટુ દાવેદારની બાદબાકી કરાશે. સ્થાનિક નેતાઓ દ્વારા પસંદ કરાયેલાં ઉમેદવારોના નામ પૈકી પેનલ તૈયાર કરવામાં આવશે.

સૂત્રોના મતે, ઉમેદવારના સેન્સ અંગેની આખીય પ્રક્રિયા બે ત્રણ  દિવસમાં જ આટોપી લેવામાં આવશે. ૮મી જુલાઇ સુધીમાં નિરીક્ષકો ત્રણ ઉમેદવારોની પેનલ સાથેનો એક અહેવાલ પ્રભારી રાજીવ સાતવને સુપરત કરશે. ત્યારબાદ આ રિપોર્ટ આધારે હાઇકમાન્ડ ઉમેદવારની પસંદગી કરશે. પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોનો મત જાણવામાં આવશે.
યુથ કોંગ્રેસે પણ પેટાચૂંટણીમાં યુવા ઉમેદવારોને ટિકીટ આપવા પ્રદેશ નેતાગીરી સમક્ષ માંગ કરી છે. પ્રદેશના નેતાઓ મહિલા કોંગ્રેસ,યુથ કોંગ્રેસ સહિતની અન્ય પાંખ સાથે પણ ચર્ચા વિચારણા કરશે.આમ, કોંગ્રેસે પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બોક્સ..

પ્રભારી રાજીવ સાતવની કડક સૂચના, ટિકીટની ભલામણ કરશો નહીં

પેટાચૂંટણીને પગલે ટિકીટ મેળવવા દાવેદારોએ રાજકીય લોબિંગ શરૂ કરી દીધુ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સ્પષ્ટ સૂચના આપી છેકે, ટિકીટ માટે ભલામણ કરશો નહીં, બધાય નેતા-સ્થાનિક આગેવાનોની સર્વસંમતિથી ઉમેદવાર નક્કી કરવાના છે. સ્થાનિક કક્ષાએથી જે દાવેદારોના નામ આવ્યા હશે તે પૈકી ઉમેદવાર પસંદ કરાશે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો પક્ષપલટો કર્યો હતો. હવે દૂધથી દાઝેલી કોંગ્રેસ છાશ ફુંકીને પી રહી છે.આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં કઇં કાચુ ન કપાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here