વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ હરમોહન યાદવના કાર્યોની ગણતરી કરી અને તેમની પાસેથી શીખવાની અપીલ કરી. આ સાથે પીએમએ રાજકીય પક્ષોને સલાહ પણ આપી હતી. પીએમ મોદીએ ઉમેર્યું કે, ઘણી વખત, કેટલાક વિપક્ષી દળો સરકારના કામમાં અવરોધો મૂકે છે કારણ કે જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે તેઓ પોતાના માટેના નિર્ણયોને લાગુ કરી શકતા ન હતા.
પીએમ મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષનો વિરોધ, વ્યક્તિનો વિરોધ દેશના વિરોધમાં ન બદલાય. વિચારધારાઓનું પોતાનું સ્થાન છે અને હોવું જોઈએ. જો રાજકીય મહત્વાકાંક્ષા હોય તો હોઈ શકે છે. પરંતુ, દેશ પ્રથમ છે, સમાજ પ્રથમ છે. રાષ્ટ્ર પ્રથમ છે.પીએમએ કહ્યું કે આજનો દિવસ આપણા દેશ માટે પણ ઘણો મોટો લોકશાહી દિવસ છે. આજે આપણા નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા છે. આઝાદી બાદ પ્રથમ વખત આદિવાસી સમાજમાંથી મહિલા રાષ્ટ્રપતિ દેશનું નેતૃત્વ કરવા જઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશને કારણે છે. આપણા દેશના મોટાભાગના પક્ષો ખાસ કરીને તમામ બિનકોંગ્રેસી પક્ષોએ આ વિચારને દેશ માટે સહકાર અને સંકલનના આદર્શ તરીકે અનુસર્યો છે.
મોદીએ એવું કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે તમામ મુખ્ય પક્ષો સરકાર સાથે ઉભા હતા. જ્યારે દેશે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે પણ તમામ મુખ્ય પક્ષો સરકારની સાથે ઉભા હતા. પરંતુ જ્યારે ઈમરજન્સી દરમિયાન દેશની લોકશાહીને કચડી નાખવામાં આવી હતી, ત્યારે આપણે બધાએ સાથે મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા.
કાર્યક્રમમાં આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે અહીં આપણી વિચારધારાઓ કરતાં દેશ અને સમાજનું હિત મોટું છે. જો કે હાલના સમયમાં સમાજ અને દેશના હિતથી વિચારધારાને ઉપર રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય. રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે છે પરંતુ દેશ ટોચ પર છે.