કોંગ્રેસ દીગગજ નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર બુટલેગરો પાસેથી હપતા લે છે, રીતસરના માસિક ધોરણે હપ્તા લે છે. તેના લીધે તે દારૂબંધીની નીતિનો કડકપણે અમલ કરતી નથી. આ એક વરવી અને ખુલ્લી આંખે દેખાતી હકીકત છે, જેની કોઈ અવગણના કરી શકે તેમ નથી. ગુજરાતમાં બોટાદ ખાતે થયેલો લઠ્ઠાકાંડ અને તેમા થયેલા 58ના મોત ભાજપની આ હપ્તાખોરીનું પરિણામ છે. મારે સંસદમાં ગુજરાતના લઠ્ઠાકાંડ અંગે વિગતવાર ચર્ચા કરવી હતી, પરંતુ ભાજપે ગૃહ ચાલવા દીધું ન હતું.
શક્તિસિંહે ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતના આ લઠ્ઠાકાંડમાં સત્તાવાર મોત 50થી વધારે થયા છે અને બિનસત્તાવાર મૃત્યુઆંક 75થી પણ વધારે છે. આ લઠ્ઠાકાંડ માનવસર્જિત છે. સરકારની દારૂબંધીની નીતિનો કેટલો બેદરકારીભર્યો અમલ થાય છે તેનો પુરાવો આ લઠ્ઠાકાંડ છે. આ પહેલા પણ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત નીપજ્યા હતા. સરકાર હવે આ લઠ્ઠાકાંડને કેમિકલ કાંડમાં ખપાવીને તેની આબરૂ બચાવવા માંગે છે, પરંતુ સત્ય ક્યારે છૂપાતું નથી. તે બહાર આવીને જ રહે છે. જો દારૂબંધીની નીતિનો યોગ્ય રીતે અમલ કરાયો હોત અને હપ્તારાજ પર અંકુશ લાદવામાં આવ્યો હોત તો આટલા લોકોના જીવ બચાવી શકાયા હોત. મૃત્યુ પામેલા બધા લોકો ગરીબ છે. તેમણે કહ્યું હતું કે ગામના સરપંચે પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને ગૃહમંત્રી સુધીને લખ્યું કે અહીં દારૂના અડ્ડા બંધ કરાવો, પણ કોઈ કાર્યવાહી થઈ નહી. તેના લીધે આ કાંડ સર્જાયો.
તેમણે જણાવ્યું હતું કે અમારી માંગ છે કે સમગ્ર લઠ્ઠાકાંડને હાઇકોર્ટના સીટિંગ જજથી તપાસ પાસે કરાવવામાં આવે. સરકારની પોતાની તપાસ સમિતિ નહી ચાલે. મૃત્યુ પામેલાઓને તાત્કાલિક ધોરણથી વળતર આપવામાં આવે. અત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરકાર પોતે સારસંભાળ લે. આ સિવાય કેટલાય લોકો જેમણે લઠ્ઠાના લીધે કિડની ગુમાવી છે અને આંખો ગુમાવી છે તેની પોતે સરકાર વિના મૂલ્યે સારવાર કરે અને તેમને વળતર અપાવે. તેની સાથે તેઓ સાજા થઈ જાય પછી કામ કરવા માટે અક્ષમ થઈ ગયા હોવાથી તેમના કુટુંબની પણ સારસંભાળ લે. આ ઉપરાંત લઠ્ઠાકાંડના લીધે અનાથ થયેલા બાળકો અથવા જે કુટુંબનો મોભી મૃત્યુ પામ્યો હોય અને કુટુંબમાં કમાનાર ન હોય તેને સરકાર ફક્ત વળતર આપીને બેસી ન રહે પણ તેની જવાબદારી લે અથવા તો તેની આજીવિકાની વ્યવસ્થા કરે.