ધાર્મિક પરંપરા સાથે દેશપ્રેમના ઉત્સાહ સાથે કલચતુર્વિધ પર્વની ઉજવણી, મોડી સાંજે સિહોરની બજારોમાં રોનક

દેવરાજ બુધેલીયા
શ્રાવણી પૂનમ એટલે ત્રિવેણી પર્વની હારમાળા લઈને આવતો દિવસ. આ વર્ષે જોગાનુજોગ આ દિવસે સ્વાતંત્ર્ય દિવસ પણ આવતો હોવાથી ૧૫મી ઓગસ્ટે સમગ્ર ભાવનગર જિલ્લામાં પેઢી દર પેઢીથી ચાલી આવતી બળેવ, નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનની ધાર્મિક પરંપરા સાથે દેશપ્રેમના ઉત્સાહ સાથે ચતુર્વિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે આવતીકાલે તા ૧૫..૦૮ ને ગુરૂવારે બાંધવ-બહેનડીના અસ્ખલિત પ્રેમ અને લાગણીને દર્શાવતા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધને લાડલી બહેન પોતાના વીરાને સૂતરના તાંતણની રક્ષા રૂપે રાખડી બાંધશે. તો બદલામાં ભાઈ પણ પોતાની વ્હાલસોયી બહેનને રોકડ અને અન્ય વસ્તુઓની ભેટ આપી રક્ષા કરવાનું વચન આપશે. શ્રાવણી પૂનમના દિવસે ભૂદેવો બળેવની ઉજવણી કરતા હોય, ગુરૃવારે બ્રહ્મસમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞાોપવિત ધારણ કરવામાં આવશે. ભૂદેવોની વિવિધ પેટા જ્ઞાાતિઓ દ્વારા બળેવના દિવસે જિલ્લામાં ઘણી જગ્યાએ નૂતન યજ્ઞાોપવિતના સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત શ્રાવણી પૂનમનો દિવસ સાગરખેડૂઓ માટે પરંપરા મુજબ અતિ મહત્વનો હોય, આ દિવસે સાગરખેડૂઓ દ્વારા દરિયાદેવનું પૂજન-અર્ચન કરી દરિયો ખેડવાનો આરંભ કરવામાં આવશે. ધાર્મિક ઉજવણીના આ ત્રિવેણી પર્વની સાથો સાથ આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની પણ ઉજવણી એક જ દિવસે થશે. જેથી રાષ્ટ્રભાવના અને દેશદાઝની સાથે જિલ્લાભરની શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ, સંસ્થાઓ, જાહેર સ્થળોએ ધ્વજવંદન અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન થયું છે.