મારું મન મોર બની થનગાટ કરે, સિહોરના તમામ ગરબા ગ્રાઉન્ડમાં ચોથા નોરતે ખેલૈયાઓએ રમઝટ બોલાવી

ચોથા નોરતે યુવાનોમાં થનગનાટ જોવા મળ્યો, ભૂલકાઓ સહિત યુવાનો સૌ કોઈ ગરબે ઘૂમ્યા, તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા, ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સુરના તાલે ગરબે ઘૂમ્યા

દેવરાજ બુધેલીયા.. યાસીન ગુંદીગરા
સિહોર શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ચોથા નોરતે ટ્રેડિશનલ વેશમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા માહોલ જામ્યો હતો ગરબા ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશમાં મન મૂકીને ગરબામાં ઝૂમ્યા હત અને ઉત્સાહ અને જુસ્સા સાથે રમઝટ જમાવી હતી. આદ્યશક્તિની આરાધનાના મહા ઉત્સવની સમગ્ર સિહોરમાં શ્રધ્ધા અને સંસ્કૃતિના સમન્વય સાથે રંગેચંગે ઉજવણી ચાલી રહી છે. નવલા નોરતા મધ્ય ચરણમાં પહોંચ્યા છે. ત્યારે ઠેર-ઠેકાણે આયોજીત રાસ-ગરબાના જાહેર અને ખાનગી આયોજનોમાં ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. પ્રથમ બે નોરતામાં મેઘાના વર્ષારાસે ખેલૈયાઓનો મૂડ ભાગ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા નવરાત્રિનો રંગ જમાવટ કરી રહ્યો છે. શહેરમાં બંધન પાર્ટી પ્લોટ કારડીયા રાજપૂત સમાજ, મહિલા મંડળ, કપોળ જ્ઞાતિ, પોલીસ લાઈન સહિતના વગેરે સ્થળોએ આયોજીત બહેનો માટેના જાહેર દાંડિયારાસના આયોજનો થયા છે. ઉપરાંત અનેક સોસાયટી શેરીઓમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે. ગરબાએ ગુજરાતની આગવી ઓળખ છે તો શારદીય નવરાત્રિ નવ દેવીની ભક્તિ-ઉપાસનાની શ્રધ્ધાનું મહાપર્વ છે. ત્યારે ગ્રામ્ય અને શહેરના કેટલાક વિસ્તારોમાં પણ સદીઓ પૂરાણી ભવાઈ નાટકની પરંપરાને જીવંત રાખી આજે પણ જીવના જોખમ સાથેના ભવાઈ નાટકો ભજવાઈ રહ્યા છે. તો માતાજીના મઢોમાં રાત્રે કુટુંબ-પરિવારોનો મહામેળાવડો ભેગો થતો હોય તેમ સૌ કોઈ પોતાના કુળદેવીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મોડી રાત સુધી માતાજીના મઢોમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here