દેવરાજ બુધેલીયા
સિહોર સહિત જિલ્લા અને ગોહિલવાડમાં આવતીકાલે શુક્રવારે પ્રબોધિની એકાદશી-દેવઉઠી એકાદશીના પાવન દિવસે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. માતા તુલસી વૃંદા અને ભગવાન લાલજી મહારાજના રૂડા લગ્નોત્સવને લઈ સિહોર સહિત સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવઉઠી એકાદશી નિમિત્તે શુક્રવારે બહેનો દ્વારા ઘરે-ઘરે ક્યારામાં દીવડા પ્રગટાવી તુલસી માતાનું પૂજન-અર્ચન કરવામાં આવશે. જ્યારે જિલ્લાભરમાં થયેલા તુલસી વિવાહના કરાયેલા આયોજનોમાં આજે બુધવારે મંડપ મુહૂર્ત, માતાજીનો પહો સહિતની વિધિના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તુલસી વિવાહ બાદ શિયાળુ લગ્નસરાની સિઝનનો આરંભ થઈ જશે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પ્રમોદીની એકાદશી-દેવઉઠી એકાદશી તરીકે ઓળખાતા કારતક સુદ-11ના દિવસનું શાસ્ત્રો-પુરાણોમાં અનેરૂ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. કથા મુજબ ભગવાન વિષ્ણુ ચોમાસાના ચાર માસ શયનાવસ્થામાં રહ્યા બાદ કારતક સુદ અગિયારસના દિવસે શૈયામાંથી જાગ્યા હતા. જેથી આ દિવસથી જગતના માંગલિક કાર્યોની શરૂઆત થઈ હતી. દેવ પુરાણ મુજબ દેવઉઠી એકાદશીના દિવસે માતા તુલસી વૃંદા અને ઠાકોરજી મહારાજના લગ્નનો રૂડો અવસર યોજાયો હતો. જેથી કારતક સુદ-11ના દિવસે તુલસી વિવાહની રંગેચંગે ઉજવણીનો મહાત્મય સદીઓથી ચાલ્યો આવ્યો છે. તે મુજબ આગામી તા. 08-11ને શુક્રવારે સમગ્ર ગોહિલવાડમાં દેવ પ્રબોધની નિમિત્તે તુલસી વિવાહની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવશે. શહેર-જિલ્લામાં આયોજીત તુલસી વિવાહના કાર્યક્રમમાં મંડપ મુહૂર્ત, માતાજીનો પહો વગેરે વિધિ કરવામાં આવી હતી. હવે શુક્રવારે મંડપ સ્થાપન, તુલસી માતાજીનું પૂજન, ભોજન સમારંભ (પ્રસાદ), સાંજે ભગવાન ઠાકોરજીની જાનનું પ્રસ્થાન થશે. લગ્નના ગીતો, સૂરોની શણરાઈઓ, ઢોલ-નગારા, ડી.જે. સાઉન્ડ અને આતશબાજી સાથે ઠાકોરજીના વરઘોડા ધામધૂમથી નીકળી લગ્ન સ્થળે જશે. ત્યાં જાનનું સામૈયું થયા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તુલસી વૃંદા અને લાલજી મહારાજના હસ્તમેળાપનો રૂડો પ્રસંગ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here