“મહા”ની અસર થી ખેડૂતોમાં સર્જાયુ મહાભારત, લીંબુ ના શેડમાં મગફળી નો માલ મુકતા મચ્યો હોબાળો.

યાર્ડમાં કપાસ નો માલ મુકવાની કોઈ જગ્યા ના હોય કપાસ પલળી ગયો, ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી વિરોધ કર્યો, પોલીસે આવી યાર્ડના દરવાજા ખોલાવ્યા.

મિલન કુવાડિયા
સિહોર સહિત ભાવનગરમાં આજ વહેલી સવારથી જ “મહા” વાવાઝોડાની અસરના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદના કારણે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી લઈને આવેલા ખેડૂતોને માલ મુકવાની જગ્યા બાબતે હોબાળો થતા ખેડૂતો દ્વારા યાર્ડના દરવાજા બંધ કરીને થોડી વાર માટે વિરોધ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે આવી દરવાજા ખોલાવ્યા હતા. “ક્યાર”વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ અરબી સમુદ્રમાં “મહા” નામનું વાવાઝોડું સક્રિય થયું છે જેની અસરના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, જો કે આ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો મુંઝવણમાં મુકાય છે, આજે ભાવનગર માર્કેટમાં યાર્ડ ખાતે કપાસ, મગફળી, લીંબુ સહિતનો માલ લઈને આવેલા ખેડૂતો ને પોતાનો તૈયાર પાક મુકવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી, લીંબુ મુકવાના શેડ માં મગફળી મુકાવતા લીંબુ લઈને આવેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો જ્યારે કપાસ મુકવા માટે કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે ખેડૂતોનો કપાસ વરસાદના કારણે પલળી ગયો હતો, જેના કારણે ખેડૂતોમાં ખૂબ ગુસ્સો જોવા મળ્યો હતો જો કે યાર્ડ તંત્ર દ્વારા આ અંગે કોઈ વ્યવસ્થા કરવામાં નહિ આવતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા અને માર્કેટિંગ યાર્ડના મેઈન ગેટ બંધ કરી અને વિરોધ કર્યો હતો, જો કે તંત્ર દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે આવી દરવાજા ખોલાવ્યા હતા, પરંતુ આ ગરમાગરમી ના માહોલ વચ્ચે ખેડૂતો નો મહામુલો પાક પલળી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here