દેવરાજ બુધેલીયા
હિન્દુ સંસ્કૃતિના મહાન પર્વ દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિંહોરની બજારોમાં ધીમે-ધીમે દિવાળીની ચહલ-પહલ જોવા મળી રહી છે. ખાસ કરીને દિવાળી ટાંણે ગૃહસજાવટ સહિત ઘરના આંગણે રંગોળી બનાવવાનું પણ અનેરું મહત્વ છે ત્યારે પર્વને લઈને બજારોમાં વિવિધ પ્રકારના રંગ તેમજ રંગોળી બનાવવાની ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે. હાલ બજારમાં રંગોળી પૂરવા માટે સ્પેશિયલ પેન તેમજ રોલર જોવા મળી રહ્યા છે. પ્રકાશના પર્વ દિવાળી દરમ્યાન રંગોળીનું પણ અનેરું મહત્વ છે. હિન્દુ ધર્મના મહાન પર્વ દિવાળી દરમ્યાન મહિલાઓ દ્વારા પોતાના ગૃહને આકર્ષક રીતે સજાવવામાં આવે છે.  ઉપરાંત પર્ળોની શ્રેણી દરમ્યાન જુદા-જુદા દિવસે વિવિધ આકૃતિવાળી આકર્ષક રંગોળી પણ કેટલીક ગૃહિણીઓ તથા યુવતીઓ પોતાના ઘર આંગણે બનાવતી હોય છે. પહેલાના સમયમાં વિવિધ રંગો તેમજ લાકડાના વ્હેરનો ઉપયોગ કરી કલાકોની મહેનત બાદ રંગોળી તૈયાર કરવામાં આવતી હતી. જો કે સમયની સાથે સાથે ટ્રેન્ડ બદલાયો છે. રંગોળી પૂરવા માટે વિવિધ પ્રકારના ફરમા ઉપયોગમાં લેવામાં આવતા હતા તેમાં પણ હવે રંગોળી બનાવવા માટે વિવિધ પ્રકારની પેન તેમજ રોલરની સુવિધા ઉપલબ્ધ થઈ છે. પહેલાના સમયમાં કલાકોની જહેમત બાદ રંગોળી તૈયાર થતી હતી. પરંતુ સમય સાથે તાલ મીલાવી હવે બજારમાં મળતા તૈયાર ફરમા તથા રોલર અને પેનના આધારે ખૂબ ઓછા સમયમાં આકર્ષક રંગોળી તૈયાર થઈ શકે છે. વધુમાં રંગોળીના વિવિધ કલરોમાં પણ હાલ બજારમાં વિવિધ વેરાઈટી જોવા મળે છે. વિવિધ રંગોની સાથે સાથે ઝરી કલરની માંગ પણ વધુ રહેતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here