જો

સિહોરના પીપળીયા નાના સુરકા મોટા સુરકા પાલડી સહિત ચાર ગામના ખેડૂતોનો આક્રોશ

દેવરાજ બુધેલીયા
સિહોર ઈરીગેશન પાસે પૂરતા સ્ટાફના અભાવે વળાવડ તળાવની નહેરનું પાણી મોડુ છૂટશે તેવુ કહેવામાં આવતા પીપળીયા પંથકના ખેડૂતોમાં તંત્ર સામે સખ્ત નારાજગી જન્મી છે.આ નહેરનું રીપેરીંગ કરી સિંચાઈનું પાણી તાત્કાલીક છોડવામાં આવે તેવી ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. અન્યથા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝૂંટવાઈ જશે.આ પ્રશ્ને ખેડૂતો દ્વારા  ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે. સિહોર તાલુકાના વળાવડ ગામના તળાવમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે પાણીની ઘણી આવક થયેલ છે અને  આ તળાવમાં છ થી સાત વર્ષ બાદ પાણીનો ઘણો સંગ્રહ થયેલ છે. જયારે જયારે પાણી ભરાય છે ત્યારે ઈરીગેશન દ્વારા દર વર્ષે કોઈને કોઈ કારણસર પાણી મોડુ છોડવામાં આવે છે જેથી તેનો લાભ ખેડૂતોને મળતો નથી. આ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલ છે. અને સારા વરસાદથી કપાસનો પાક પણ સારો થવા પામેલ છે. તેથી ઈરીગેશન દ્વારા તાત્કાલીક નહેર રીપેરીંગ કરીને દિવાળીના તહેવાર પહેલા પાણી છોડવામાં આવે તો ખેડૂતોને કપાસનો પાક સારો થાય તેમ છે. અને તંત્ર દ્વારા જો પાણી મોડુ છોડાશે તો છતે પાણીએ કપાસનો પાક પાણી વિનાનો નિષ્ફળ જશે અને તેનો લાભ પીપળીયા, નાના સુરકા અને પાલડી વ. ગામોના ખેડૂતોને મળશે નહિ. ખેડૂતોમાં થતી ચર્ચા મુજબ તંત્ર દ્વારા કેનાલ રીપેરીંગની ગ્રાન્ટ પણ આવે છે અને તેની માપણી પણ કરાઈ છે. તેમ છતાં ટાઈમસર કેનાલ રીપેરીંગ કેમ કરવામાં આવતુ નથી. જો તંત્ર દ્વારા ઉનાળામાં રીપેરીંગ કરવામાં તેઓને શુ નડતર છે ? તે વાત ખેડૂતોને સમજાતી નથી. આ ગંભીર બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા વખતોવખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ જો વહેલી તકે પાણી છોડવામાં નહિ આવે તો ઉપરોકત ત્રણેય ગામોના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેમ પીપળીયાના ખેડૂત અગ્રણી ગગજીભાઈ ડોડીયાએ આક્રોશભેર જણાવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here