લોકોને ખંખેરવામાં ઈંધણના ભાવ પણ બાકી નથી, હેલમેટ સહિતના ઉંચા દંડ,ઉંચા દરે વસુલાતા વાહનોના વિમા, ઉંચા કરવેરા ઉપરાંત ઈંધણના ભાવમાં વધારાનો ડામ યથાવત

શંખનાદ કાર્યાલય
ટ્રાફિક દંડમાં સેંકડો ગણો વધારો ઝીંકીને હેલમેટ જેવા મુદ્દે વસુલાતનો અતિરેક દાખવીને લોકોના ખિસ્સા ખાલી કરાઈ રહ્યા છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. પેટ્રોલના ભાવ ગત તા.૭-૧૧-૧૯ના લિટરના રૂ.૭૦ હતા તે આજે વધીને રૂ.૭૧.૬૯ એટલે કે દોઢ રુપિયા કરતા વધુ વધારો ઝીંકી દેવાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ વધે તે એકમાત્ર કારણ નથી પણ વર્ષોથી સરકારે ઈંધણ પરનો વેરો જ અસહ્ય વધારી દીધો છે જે અગાઉના સમયમાં ઓછો હતો. લોકોને પેટ્રોલ સસ્તુ ન મળે તે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ડના ભાવ ઘટયા ત્યારે વેરા વધારી દેવાયા હતા. માત્ર પંદર દિવસના સમયમાં ૧૦થી ૧૮ પૈસા લેખે ૧૨ દિવસ પેટ્રોલના ભાવ વધ્યા છે અને કૂલ દોઢ રુપિયાથી વધારે વધારો દેશભરમાં ઝીંકાયો છે. મોંઘવારી, મંદી અને ઉપરથી ઉંચા કરવેરા અને દંડનો બોજ તળે પ્રજા હાલ પીસાઈ રહી છે પરંતુ, નેતાઓ કરોડોપતિ બની ગયા છે, ધારાસભ્યોના પગાર ઉંચા થઈ ગયા છે અને નજીકના સમયમાં કોઈ ચૂંટણી આવતી નથી તે કારણે પેટ્રોલના ભાવ વધારા હોય કે હેલમેટ હોય તે મુદ્દે કોઈ નેતાઓને જાણે પ્રજાની પરવાહ જ નથી.